પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૦૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પૂતળી શણગારવા માટે ને?"

"શા માટે ન શણગારું?" પતિને કલાની ભાષા આવડતી નહોતી, સમજાતી નહોતી.

"મારા એ હક છે તેમ તો નથી ને?"

"મને તો બીજી કંઈ ગમ નથી પડતી; પણ તું રીઝે તે મને ગમે છે."

"તે મારે આ નવી વાતનું શું કરવું?"

"કઈ વાતનું?"

"મેના ગુર્જરીના નાટકમાં ઊતરવાનું..."

"વેપારી વર્ગમાં આપણી ટીકા થશે... હે-હેં-હેં-" પતિએ એટાલું કહેતાં કહેતાં ભાતમાંથી એક કાંકરી ચૂંટી. થાળીમાં કાંકરીનો ઘસારો થયો.

તનુમતીનાં નેત્રો ભીંજાયા : 'મેં એવું શું કાળું કામ કરી નાખ્યું છે? વેપારીઓ શા માટે મારી પાછળ લાગ્યા છે ? હું વેપારીને ત્યાં પરણવા કરતાં આપઘાત કરીને મરી કાં ન ગઈ?"

"ના, ના, હું એવું નથી કહેતો. ભલે ટીકા થાય. તમે તમારે જજો."

"તમે ક્યાં ઉમળકાથી કહો છો? માથેથી ફક્ત આફત ઉતારતા હો એવી રીતે બોલો છો"

પોતાનો સ્વર પલટાવવો એ પુરુષોત્તમ શેઠને માટે કઠિન હતું. વ્યાપારી દુનિયામાં ઊથલપાથલે એના ચહેરા પર એક જ રંગ ચડાવી દીધો હતો ને એના કંઠમાં એકધારો સૂર ઘૂંટી દીધો હતો. હર્ષ-શોકની ઊર્મિઓ અને મુખે કે કંઠે કળાતી નહોતી. ઘરાકો જોડે સમતાને તથા મીઠપથી કામ લેવાની શરૂઆતની બનાવટની પ્રથાએ હવે એ સમતાને તથા મીઠપને એનાં લોહીમાંસની અંદર વણી નાખી હતી. એટલે એણે તો ફરીથી પણ એ-ના-એ નીરસ અવાજે ઉચ્ચાર્યું; "કહ્રેકહ્ર, તમને જેમ ગમે તેમ કરો."

તનુમતીને પોતાનો પરાજય થતો લાગ્યો. પતિ વાંધો લઈ ઊઠશે, રોષ કરશે, શંકાઓના પ્રહારો મારશે, ને તેની સામે હું બળવો કરીશ એવી ગણતરી કામ ન લાગી.