પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.


પાનકોર ડોશી


જમાનામાં એ વ્યાપારે ને ઉદ્યોગે ધીકતું ગામ હતું. પણ એક જ દાયકાની કોઈક અકળ ભીંસ આવી - અને, એક જ થપાટે કોઈ મનુષ્યના બત્રીસેબત્રીસ દાંત હચમચી જાય, તેવું જ કાળના તમાચાએ આ ગામનું ખેદાનમેદાન કરી નાખ્યું.

દર ત્રણ-ત્રણ ઘર છોડીએ એટલે અક્કેક મકાનનું ખંડિયેર આવે. કૂતરાં આખી રાત રોયા કરે. સવાર પડતાં જ સહુ જુએ કે ખંડિયેરોના ઉકરડાઓમાં રઝળતાં ગધેડાંમાંનું એકાદ ગધેડું તો કૂતરાઓએ ચૂંથી નાખેલું પડ્યું જ હોય. એ સડતા મુર્દાની દુર્ગંધ બે'ક દિવસ લોકોને મળી રહે પછી જ ઝાંપડા આવીને એને ઢસડી જતા. મ્યુનિસિપાલિટીનો અભરામ પટાવાળો આવે પ્રસંગે એકાદ ઝાંપડાનો બરડો તો પોતાની સોટી વડે ફાડ્યે જ રહેતો.

એ ખાવા ધાતા ગામ ઉપર બિહામણી રાત ઝ્મ ઝ્મ અંધારું વરસાવતી હતી. સુધરાઈ ખાતાનાં ફાનસો એકબીજાંને ન જોઈ શકે તેવું જાણે કે કશુંક કાવતરું ગોઠવતાં શેરીઓનાં વાંકધોંકમાં ભટ્ ભટ્ કાકડે બળતાં હતાં. ને તાજી રાંડેલી કોઈ કોઈ જુવાન સ્ત્રીઓ, ખૂણો પાળતી પાળતી, લોટો લઈ શેરીઓમાં ગુપચુપ નીકળતી હતી.

એવે સમયે મારા ફળિયાની ખડકી ઉપર સાંકળના ખખડાટ બોલ્યા: ઠક ! ઠક ! ઠક ! ઠક !

જૂની સાંકળ જૂના કમાડની જોડે રણઝણતી નહોતી, પણ માથાફોડ કજિયો કરતી હતી. એના અવાજો ખરે જ મારી કાગાનીંદરમાં મને કોઈ માથાં પછાડતી ગાંડી સ્ત્રીના ધડુસ્કારા સમાન લાગ્યા.