પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૧૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ખત્રી ડેલી ઉપર ને સંઘાણીના ડેલામાં ઠેકાણે ઠેકાણે અક્કેક ધુમાડિયું ફાનસ તબકતું હતું, અને પુરાતન કમાડો ઉપર ધિંગી સાંકળો માથાં પછાડતી હતી. સાત ગાઉ દૂર આવેલા રેલ્વે-સ્ટેશને ઉતારુઓને માટે બેલગાડી હાંકતા પાલાવાળા ઠેકાણે ઠેકાણે એના ઘોઘરા અવાજે હાક પાડતા હતા. એ હાકમાં કોણ જાણે કેવીયે કાળ-વાણી સાંભળીને કૂતરાં લાંબા સ્વરનાં રુદન કરતાં હતાં. બુઢ્ઢો ગામ-ચોકિયાત માલૂજી સિપાહી ખોં ખોં ઉધરસો ખાતો ખાતો ને ખોંખારા મારતો ગામ ગજાવતો હતો કે "હૂ-ઉ-ઉ ખબડદાર ! જાગતા સૂજો! જાગો છો કે પીતાંબરભાઈ?"

"હવે હા, ભાઈ હા; જાગીએં જ છયેં ને?" કોઈક સામો જવાબ દેતું.

"અરે, ગાંગલા મેરાઈ!" માલૂજી ચોકિયાત પોતાની લાકડીનો છેડો એક ઘરના કમાડ ઉપર ઠબકારીને બોલી ઊઠ્યો:"ગાંગલા, તારી બારી ઉઘાડી છે: બંધ કર ! બંધ કર ! જાગછ કે , ગાંગલા?"

અંદરથી કોઈ વૃદ્ધ સ્ત્રીનો અવાજ આવતો: "માલૂજીભૈને કહીએં કે ઠીક, બાપા, ઠીક! બંધ કરી વાળું છું, હો! ઈ તો ગાંગલો કે' કે, માડી, ઉનાળાની ગરમી બહુ થાય છે તે જરીક વા આવે તે ઉઘાડી મેલ્ય ને! આ ઈમ ઉઘાડી મેલી ત્યાં તો મારી મૂઈને આંખ મળી ગઈ..."

"ગરમી થાતી હોય તો ચૂનાબંધ મેડિયું ચણાવોને, બાપા! પણ આ તો તમારા ત્રીસ વરસના જૂના ચોકિયાતને કપાળે તમે કો'ક દી કાળી ટીલી બેસારશો, વઉ! હવે તો હેમખેમ નોકરી માથેથી ઊતરી જાયેં તો હાઉ: ગંગ નાયા! થોડાક દી આ માલૂજી ડોસની આબરૂને ખાતર પણ ગરમી વેઠી લે. બાપ ગાંગલા! મોટા જાટલીમેન!"

આટલું બોલીને માલૂજી સિપાહી આગળ વધ્યો.ગળામાં કોઈ કાયમી ચાવી ચડાવી રાખેલ સંચો ગોઠવ્યો હોય તે રીતે એનો અવાજ ચાલુ થયો:

"હૂ-ઉ-ઉ... જાગતા સૂજો! જાગતા સૂજો! પાનાચંદકાકા જાગો છે કે? હા, ખબરદાર રે'જો! હૂ-ઉ-ઉ..." એવો 'સ' અને 'હ' વચ્ચેનો અવાજ કાઢીને માલૂકી ચોકિયાતે ખોંખારો ખાધો. એ ખોંખારાના પ્રત્યુત્તરો જુદા