પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ત્યાં તો રસ્તા પર ઘૂઘરાના રણકાર તથા બળદગાડીના કચૂડાટ બોલ્યા. પાલાગાડી મારી પછીત પાસે ઊભી રહી, ને મારો ગાડાવાળો બૂમ પાડે તે આગમચ જ મેં એને મેડી ઉપરથી કહ્યું કે "દાઉદ ! બોકાસાં ન પાડતો , હો કે; હું જાગેલો જ છું."

"એ હો, ભાઈલ; નહિ પાડું"

એટલો પ્રત્યુત્તર વાળીને દાઉદ પાલવાળાએ પોતાનું ધાર્યું કરી લીધું એ એટલા જોરથી બોલ્યા કે મારો છોકરો ઊંઘમાંથી જાગી ઊઠ્યો: મારે જે અટકાવવું હતું તે જ બન્યું!

નીચે દાઉદ ગાડીવાળો ધીમે ધીમે બોલતો હતો કે 'નવી નવાઈ ના આવ્યા, ભાઈ! ગળાં તાણીએ અમે ને કહે કે બોકાસાં પાડતો નૈ! અલ્લા! દુનિયાય કેવી છે! જમાનો બહુ બાલિસ્ટર આવતો જાય છે..."

બાલિસ્ટર એટલે બારીક!

મને થયું કે એના બૂમો પાડવાના આ શહેરી હક ઉપર મેં તારાપ મારી તેથી કરીને દાઉદ ચિડાયો છે.

પાછો દાઉદ બબડતો હતો: "આપણે શું? આપણે દસ છડિયાં ગોતવાં પડત, દસેયને જગાડવા જાવું પડત, એટલું ઘાસલેટ બળત, એટલા જોડા ઘસાત ને એટલા ઢાંઢાં ટૂંપાત તે કરતાં આ એક જ સુવાંગ ભાડૂત મળી ગયો! આપણે શું ? બોકાસાં નહિ પાડીએ, બાપા ! તમે શેઠિયા છો, મુંબી ખેડો છો: મા'લોને , બાપા, સુવાંગ ગાડી! ને આઉદની પાલાગાડી એટલે તો શું? પેટમાં પાણીય હલે! તો તો દાઉદની સાત પેઢી લાજે! ખબર છે?..."

બબડતો બબડતો દાઉદ પ્રભાતિયું ગાવા લાગ્યો:

ધન્ય અલા! ધન્ય મોલા!
ધન્ય તેરી સાયબી! ધન્ય અલા!
જમીં કા તેને જલેસા બનાયા
રાવટી અસમાનકી
ધન્ય અલ! ધન્ય મોલા!
ધન્ય તેરી સાયબી!