પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"અહીં ક્યાં - અમારા માથા ઉપર બેસારીશ?"

"સલોસલ ખડક્યાં છે રોયા એ : જાણે ખજૂરના વાડિયાં ભર્યાં."

"પણ ઈ છડિયું છે કોણ?"

"અરે, ઓલી..."

"કોણ?"

"અત્યારમાં દાતણપાણી કર્યા વગર ક્યાં એનું નામ લેવું , બાપા!'

"મૂઈ રાંડ ડાકણ!"

"કોણ પણ?"

"અલી મોટા શેઠના ફળિયાવાળી પાનકોર ડોશી."

"અરે, ભોગ લાગ્યા! એલા આમદ! હવે ડાહ્યો થઈને ગાડી હાંક ગાડી: નીકર આ ડાકણના મોંમાંથી વેણ પડ્યું એટલે આમાંથી કો'કનું ધનોતપનોત નીકળી જશે. હાંક ઝટ, અક્કલવગરના! છડિયું બાંધવામાં જરા સરત રાખતો જા! તારો બાપ તો આવો અક્કલનો ઓથમીર નો'તો. કોઈ ન મળ્યું તે આ પાનકોર ડાકણ મળી તને ? આ લે: છ ફદિયાનો લોભ હોય તો આ લઈ લે અટાણેથી જ. છ ફદિયાંને બદલે બે આના; પણ ઉપાડ ઝટ, ગાડી ઉપાડ હવે."

'ડોશી! તુંને હવે કાલ લેતો જઈશ, કાલ. અટાણે જઈને સૂઈ રે'."

એટલું કહીને આમદે ગાડાની ઊંધ ઉપર એક ઠેક દીધી, રાશ હાથમાં લીધીને બળદોનાં ઢીંઢા ઉપર હાથ મૂક્યા એટલે ગાડું ધૂળના ગોટા પછવાડે અદ્રશ્ય બન્યું.

અંધારામાં એક માનવી, કોઈ ચિતારાએ છાયાચિત્ર આલેખ્યું હોય તેવું, સ્તબ્ધ ઊભું હતું. એના માથા પર એક ડબો હતો, તેનો કટાયેલો કાળો રંગ સુધરાઈના ઝાંખા ફાનસની પાસે ડોશીની દરિદ્રતાની ચાડી કરતો હતો. એ હતી પાનકોર ડોશી.

બે-ચાર માણસો બીડી પીતાં પીતાં પાનકોર ડોશીનું ટીખળ કરતા હતા:

"લ્યો ભાઈ, પાનકોર તો મુંબઈ જઈ આવી!"