પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૧૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"પણ, એલી પાનકોર, તને આટલે ગઢપણે આ શું સૂઝ્યું! ઘર ઝાલીને બેસી રે' ને!"

"અરે ભાઈ, પાનકોર તો મુંબઈના ભલભલા બાલિસ્ટારોને ભૂ પાઈ દેશે, જો જો તો ખરા!"

"આવે મોટે કામે હાલી છો તું, હેં પાનકોર, ને મોટર ભાડે કરતી નથી?"

અમારી બળદગાડી હજુ બહુ દૂર નહિ ગઈ હોય ત્યાં જ આટલી વાતો થઈ ગઈ. ગાડામાં બેઠો બેઠો પાલામાંથી હું પછવાડે જોતો હતો કે પાનકોર ડોશી નામનું એ માનવી મૂંગુ મૂંગુ અમારી પાછળ પાછળ ચાલ્યું આવે છે.

પ્રથમ તો મને એ અતિ બિહામણી લાગી. બીકની અસરનું મુખ્ય કારણ પેલા આમદની ગાડીના ઉતારુઓએ કરેલી વાતો. 'ડાકણ’ શબ્દ મારી સ્મૃતિમાં જ હતો. અંધારે અંધારે મને પાનકોર ડોશીના દાંત લાંબા લાંબા થતા લાગતા હતા. શાહુડીનાં પીછાંની પેઠે પાનકોર ડોશીના માથાના તમામ વાળ જાણે ઊભા થઈ ગયા હોય તેવું ભાસ્યું. પછી વળી મને યાદ આવ્યું કે એ તો એના માથા ઉપર સામાનનો ડાબો છે. મારી છાતીએ સ્વેદ વળતાં હતાં. હું વારંવાર દાઉદને ગાડી ઝડપથી હાંકવા કહેતો હતો; પણ પછવાડે પાનકોર ડોશી ચાલી આવી છે તેથી હું બીઉં છું. એવું કહેવાની મારી હિંમત નહોતી.

મને થયું કે પાનકોર મારી પાછળ જ પડી છે. મેં ગાડીના પાલામાં એકલાં પડ્યાં પડ્યાં, ઉનાળાનો બાફ હોવા છતાં, માથા ઉપર કામળ ઓઢી લીધી.

થોડી થોડી વારે આકળાઈને કામળ ઉઘાડી હું પાછળ જોતો તો પાનકોર હાજર ને હાજર હતી. હવે તો એણે ગાડીનું ઠાઠું પણ પકડ્યું હતું. મેં મારા હૃદયમાં ને હ્રાદયમાં મારા બાળકની રક્ષા માટે 'ગાયત્રી' રટવા માંડી. એમ પણ બોલાઈ ગયું કે "હે ડાકણ! તારા દાંત પાડે હડમાન..."

આ શબ્દોએ દાઉદનું ધ્યાન ખેંચ્યું: "કોણ છે? કોના દાંત પાડાવાનું