પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૨૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હૂં ચૂપ રહ્યો. થોડી વારે દાઉદે ઉમેર્યું: "એની દયા ખાવા જેવું કોઈએ નથી, હો ભાઈ! એ તો પાનકોરની ઓલાદ છે. લોખંડના છોકરાં માનજો. ન મૂંઝાય - આખા ગામની સામે ખોઈમાં પાણકા ભરીને ઊભા રહે - ઈ રકમ છે, બાપા! ઈ તો પાનકોર ડાકણના પોતરાં છે. હે-હે-હે-હે... "

દાઉદનું હાસ્ય એટલું જોશીલું હતું કે જાણે અંધકાર ભેદાયો ને પ્હો ફાટી.

મેં પછવાડે સડક ઉપર ઘણે દૂર દૂર નજર તાણી. કોઈ દેખાતું નહોતું. મને કહેવાનું મન થયું કે , દાઉદ, ગાડી પાછી વાળશું? પાનકોરને જ્યાં મૂકી છે ત્યાંથી પાછા લઈ આવીએ. ભલે મારે સાંજની ટ્રેઈન સુધી રોકાવું પડે.'

પણ પછી તરત જ મને મારા ક્ષણિક આવેશ ઉપર કાબૂ મળ્યો. મેં વિચાર્યું કે, મારે શું? આવી આવી ડોશીઓ તો ગામોગામ પડેલી છે. એક પણ ગામડું આવી કઠોર અને અકળ જીવન-સંગ્રામ ખેડતી બુઢ્ઢી વગરનું નથી. એ વેઠે છે કેમકે એનાં લક્ષણ એવા છે.

ઘડીક મનસૂબો ઊપડ્યો: આવી આવી ડોશીઓને એકઠી કરીને સરદાર વલ્લભભાઈ એકાદ ડોશી-ફોજ બનાવે તો! ગાંધીજી મીઠાના આગર ઉઅપ્ર આ પાનકોર જેવીને લઈ હલ્લો કરે તો? તો તો બરાબરની જામે: કટકા થઈ જાય તોયે પોલીસની લાઠીને મચક અ આપે ને જેલમાં પણ ત્રાહિ ત્રાહિ પમાડી દે અમલદારોને!

આમ, ઉપયોગિતાની દ્રષ્ટિએ આ પાનકોર મને ઘણી ખપની લાગી; દેશભક્તો ઉપર કાગળ લખવાનું પણ મન થયું કે , તમારા લાભની વાત છે: આવી ડોશીઓને ભેળી કરીને સરકાર સામે, કોઈ પણ રાજાની સામે, કોઈ પશુવધ કરનારાં મંદિરોની સામે, કોઈ જુવાન સ્ત્રી પિસ્તાલીસ વરસના પુરુષને પરણતી હોય તેની સામે, હરકોઈ નાનામોટા સત્યાગ્રહની અંદર આની એક ખડી ફોજ ચડાવી દેવા જેવું છે: રાખી લો તો કેવું સારું!

આ વિચારોએ મારી પાંપણો ઉપર મણીકાં મૂક્યાં. ચાલતું ગાડું ઘોડિયા જેવું બની ગયું. બળદનાં ગળાંની ટોકરીઓમાંથી માનાં 'હાલાંવાલાં'