પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ગૂંજ્યાં. હું નીંદરમાં પડ્યો. સ્વપ્નમાં મેં મારા આખા ગામની સેંકડો ડોશીઓ દીઠી: કોઈ કાળાં તો કોઈ શ્વેત વસ્ત્રોવાળી: સાડલામાં થીગડાં એટલાં બધાં કે મૂળ કપડું ક્યું તે કળી ન શકાય: કોઈને માથે મૂંડો, તો કોઈને માથે ખરી પડેલાં આછાં ઝંટિયા: બોખા દાંત: સૂક્લ આંખો: શૂન્ય દ્રષ્ટિ: ખોળામાં નાના અનાથ છોકરાં: પાણીમાં ઝબોળીને સૂકા રોટલાના ટુકડા પોચા કરે છે ને મોંમાં મમળાવે છે: સામે સાક્ષાત્ જમદૂતો ઊભેલા છે, તેની કરડી નજરથી ખોળાંના છોકરાંને સાડલામાં લપેટી છુપાવી રાખે છે.

સેંકડો એવી ડોશીઓના જૂથમાંથી ધીરે ધીરે એક જ ડોશીરૂપ બંધાયું. ઘડીક એ ડોશી મટીને મારું ગામ દેખાય. ઘડીક ગામ મટીને ડોશી દેખાય: ગામ અને ડોશી એકાકાર બની ગયાં.

"શેઠ, જાગો જાગો હવે! આમ તો જુવો!"

એ દાઉદના અવાજે મને જાગ્રત કર્યો ત્યારે સ્ટેશન આવી ગયું હતું ને લોકોની ઠઠ જામીને હસાહસ ચાલતી હતી.

ઊંચા થઈને મેં જોયું તો એક રબારી ઊંટને ઝોકારતો હતો. ઊંટની પાછલી બેઠક પર પાનકોર ડોશી બેઠી હતી.

હસતાં લોકો બોલતાં હતાં:

"રાંડ ડાકણ આખરે આવ્યે રહી! ઊંટ માથે બેસીને આવી: છે ને પણ! શી રૂડી લાગે છે! આને કોણ પોગે! જમનેય ભરખી જાય ને!"

ત્યાં તો મારી ટ્રેન આવી લાગી.