પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સુધી લીલાલહેર કરે મારા બે.....ટ્ટા !"

શહેર જ્યારે કાળા ગોરા અમલદારોની આવી સરખામણી કરી રહ્યું હતું, ને 'આપણા કાળાઓને ગોરા અમલદારોની જેમ સિફતથી ખાતાં આવડતું નથી' એવો ખેદજનક નિર્ણય થઈ રહેલ હતો, ત્યારે ઝૂંઝા કારભારીને ઘેર સાળો-બનેવી પાટલા પર બેસી વાળુ કરતા હતા. કારભારીનાં પત્ની જશોદાબહેન, શરીરે સોજા છતાં, રસોડામાં રોટલી વણતાં હતાં.

બહેનના ભાઈની નજર, દરેક જમવા બેસનાર પરોણાની આદત હોય છે તે પ્રમાણે, બહેનના ઘરની દીવાલો ઉપર અને ખૂણાઓમાં, આજુબાજુ, આરપાર બીજા ખંડોમાં સર્વત્ર ચુપકીદીથી ભમતી હતી. થાળીમાં હજુ પીરસવાનું શરૂ થતું હતું. પરોણાના હાથનાં આંગળાં ઉપર બે હીરા જડિત વીંટીઓ હતી, તે વડે થાળીના કાંઠા ઉપર એ ટકોરા મારી રહ્યા હતા.

જમતાં જમતાં સાળા બનેવી વચ્ચે આડીઅવળી વાતો થઈ. તેમાં એકાદ બે વાર ઝવેરાતનો ઉલ્લેખ થયો.

"કુલ કેટલું હશે ?"

"એનો કંઈ નેઠો જ નથી. નોંધબોંધ રાખેલી જ નથી. રાઓલજીની પેઢીનેપેઢીથી એ જ રસમ ચાલી આવે છે કે હોય તેટલું તાળાચાવીમાં પડ્યું રહે; જરૂર પડે ત્યારે વેચીને નાણાં કરવામાં આવે ને સગવડ હોય ત્યારે નવી ખરીદી કરીને ઉમેરવામાં આવે. તે સિવાય તો ભગવાન જાણે - ને બીજો ચાવી રાખનારો."

દેશી રાજ્યોનાં જામદારખાનાંને વિષે આવું કહેવું એમાં અતિશયોક્તિ નથી. જામદારખાનાંના રત્નહીરાના ને મોતીમાણેકના ખજાના હંમેશાં અક્લિત તેમ જ ભેદી રહેતા આવ્યા છે. એ અઢળક દોલતની ચાવીઓ કેવળ વિશ્વાસને જોરે જ સચવાતી આવે છે. એમાંથી પગ કે પાંખો કરી પલાયન થઈ જતાં જવાહિરોને કોઈએ જાણ્યાં નથી. જામદારખાનાંની દુનિયા અતલ છે; એણે કંઈકને નિહાલ કર્યા છે.

ફરી એક વાર અને પછી તો ફરી ફરી વાર ઝવેરીએ બહેનના ઘરની