પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૨૮

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અને આ ત્રાંબા પિત્તળનાં ઠામડાંય વેચવા પડશે એવા માઠા દા'ડા તું દેખવાની. માટે મારું કહ્યું માન."

તે પછીની વાત ઘણા જ ધીમા અવાજે થઈ.

મધરાતે કારભારી ઘેર આવ્યા ત્યારે પલંગ ઉપર એમના પગ દાબતાં દાબતાં જશોદાએ વાત ઉચ્ચારી. પ્રથમ તો વર્ણન ઘરની ગરીબી વિષે જ થવા લાગ્યું. નિર્ધન સ્વામીની છાયા જેવી પત્ની જશોદા - ઓછાબોલી ને સંતોષી જશોદા - આવી વાત વર્ષે છ માસે એકાદ વાર ઉચ્ચારતી; અને એ ઉચ્ચારતી ત્યારે સૂતો સૂતો સ્વામી પીઢ વયે પણ પત્નીના દેહમાં પોતાના પગની આંગળીઓ વડે ગલીપચી કરી ગરીબાઈની વાતમાંથી યૌવનનો રસ ચૂસતો. આજેય બેઉએ યુવાવસ્થાને ફરી એક વાર પોતાની પાસે તેડાવી.

રાજકાજમાં પ્રભાવશીલ અને ઉપાધિમગ્ન રહેતો પતિ જો કોઈની જોડે ટીખળ કરતો, તો બસ, ફક્ત આ જશોદાની જોડે - તેયે કોઈક વિરલ વેળાએ. આજે ટીખળની જરૂર પડી, કેમકે જશોદા, પુત્રી સાવિત્રીને બીજી વારનું આણું વળાવવાના ખર્ચની માર્મિક વાત કાઢી બેઠી હતી.

"પણ તું ચિંતા શાની કરે છે? ગિરધર ગોપાલની મૂર્તિને રોજ ટપકાં કર્યા જ કરે છે તે શું નાહકની? ઓલ્યો નરસૈંયો ને મીરાં ને બોડાણો કેવાં દોંગાં હતાં ! ફાવી ગયાં ! તું થોડીક હુંશિયાર બનીને માગી લે ને હારબાર !"

"પણ હુંયે હારની જ વાત કરું છું. હાર તો મારો લાલ અનેક જૂજવી જૂજવી રીતે આપે છે...."

"કહે, તને શી રીતે આપવાનો છે ?"

"હું તો માનું છું કે એણે જ - મારા વલાજીએ જ - મારા ભાઇને આજે અહીં મોકલેલ છે."

"હં-હં !" કારભારીનું કુતૂહલ વધ્યું.

જશોદા પતિને કોઈ અકળ સમસ્યાની ચાવી બતાવતી હોય તે પ્રકારે બોલી ગઈ: "મારા ભાઈએ જ કહ્યું કે તમેતમારેય ઊંડા પાણીમાં ન ઊતરો; ફક્ત આટલું કરો કે એ જેના સામી આંખ માંડે, તેની ચિઠ્ઠી ઉખાડી