પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

નાખવી."

"શું-શું ?" કારભારી આ સતજુગી સ્ત્રીના ગોટા ઉપર રમૂજ પામતા હતા.

"એમ કે, જામદારખાનું છે ને.... ?"

"હા."

"તે ત્યાં તમે લિલામ વખતે જાવ ને... ?"

"હા."

"તે લગરીક વે'લા જાવ ને.... ?"

"હા."

"મારા ભાઈને જોડે લઈ જાવ - નંગો બતાવવા સારુ લઈ જાવ ખરા ને ?"

"હા હા !"

"એ જે નંગ ઉપર નજર માંડેને તમને ઇશારો કરે તે નંગ ઉપરથી તમારે ચિઠ્ઠી ઉખાડી નાખવી; એટલે એ નંગને લિલામમાં કોઈ માગે નહિ. પછી કાલે તમે એ ઘેર લઈ આવો. પછી મારો ભાઈ છે.... ને એ નંગો છે ! બે-ચાર નાના નંગ હશે તેનું પણ મારો વાલોજી ગિરધર ગોપાળ સાત પેઢી સુધી ખાઈએ એટલું અપાવશે."

કારભારીનાં પગનાં આંગળાં પત્નીના શરીર ઉપર કોમળ સ્પર્શથી ફરી રહ્યાં હતાં, તે ધીમેથી બંધ રહ્યાં. સ્ત્રીએ જોયું કે પતિને આ વાત કંઈક ગળે ઊતરતી જાય છે, એટલે એણે જેટલું કહેવાનું હતું તેની પૂર્તિ કરી: "કોઈ કરતાં કોઈને જાણ થવાની નથી. રાજમાં કોઈને આ વાતનો હિસાબ નથી. તમે એકલા જ બધું જાણો છો. અરે, તમનેય ક્યાં ખબર છે કે, કેટલાં ફલાણાં નંગ ને કેટલાં ઢીકણાં નંગ ! અઢળક ખજાનો.... ખજૂરાના હજાર પગ: એક ભાંગ્યે શો તૂટો આવી જવાનો ?"

કારભારીએ આંગળાં સહેજ સંકોડી લીધાં. જશોદા ફરીથી બોલી: "તમે ભલેને ગંગોત્રીના જળ જેવા નિર્મળ રહ્યા છો, પણ ગામ કાંઈ કહ્યા વિનાનું રહ્યું છે? ગામ તો તમામ ગપત ભંડારની કંઈક વાતો હાંકે છે.