પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આમેય જશ નથી ને આમેય લાભ નથી; તો પછી, મારો ભાઈ બચારો કહે છે કે, આવા હૈયાફૂટા શા સારુ થવું? કોણ જશના પોટલા બંધાવી દેવાનું છે ? ને આમાં તો જામદારખાનામાંથી લેવું છે ને ! એ ક્યાં કોઈની ચોરી છે ?"

કારભારી પલંગ પરથી ખડા થયા. બોલ્યાચાલ્યા વિના એ બહાર નીકળ્યા. ચોગાન ઓળંગીને સામી પરસાળે ચડ્યા. અવાજ કર્યો: "નૌતમ ઝવેરી !"

મહેમાન જાગી ઊઠ્યા. કારભારી કશીક મસલત કરવા આવ્યા હશે એમ માન્યું; કહ્યું: "પધારો ને ! કયારે બહારથી આવ્યા ?"

"હું તમને કહેવા આવ્યો છું કે પરોડિયાની ચાર વાગ્યાની ટ્રેઇન છે; તમારે એ ટ્રેઇનમાં ઊપડવાનું છે."

"કેમ ? ક્યાં ?"

"તમારે ઘેર."

"પણ લિલામ ?"

"લિલામમાં તમારે ઊભા રહેવાનું નથી - તમારા નામનો ભાગ સુધ્ધાં કોઈ જોડે રાખવાનો નથી. ને તમારી પઢાવેલી બહેનને પણ તમારે જોડે લઈ જવાની છે."

"કેમ ? કેમ ?"

"તમને ઝવેરાતના વેપારમાં જશોદા ઘણી જ મદદગાર થઈ પડશે."

"પણ...."

"પણ-બણ કશું જ નહિ. હું ઘોડાગાડીની વરધી આપું છું જશોદાને તૈયાર કરું છું. તમને પટાવાળો પોણાચારને ટકોરે જગાડવા આવશે."

એટલું કહીને કારભારી પોતાને ઓરડે ગયા. ત્યાંથી ઠંડીગાર હવાનું કાળજું વીંધીને આવા આવા તૂટક સ્વરો ઝવેરીના કાનમાં પ્રવેશતા હતા:

"ત્રીશ વર્ષ તેં મારું પડખું સેવ્યું - ત્રીશ વર્ષ.... ધિ:ક છે.... હું ભૂલ્યો - કુળ ભૂલ્યો, જોવામાં ભૂલ્યો,... સ્ત્રી મારી શત્રુ.... મને ખબર નહોતી... જાત નહિ, કજાત...." વગેરે વગેરે.