પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૩૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"પણ...."

"પણ ને બણ કશું નહિ. જાઓ પિયર."

[૨]

"પણ...."

"પણ ને બણ કશું જ નહિ. ચાવીઓ નહિ મળે. તોડો તાળાં"

એ જ ઘરમાં. એ જ પરસાળ ઉપર, પાંચ વર્ષ પછી આ જ બોલના ઘોષ ઊઠી રહ્યા છે. બે અવાજો પૈકી એક અવાજ એ-નો એ જ છે.

પાંચ ચોમાસાંનાં પાણી આ બનાવ ઉપર વરસી ગયાં હતાં.

કારભારી વિશેષ જઈફ બન્યા હતા. જશોદાને વધુ સોજા ચઢ્યા હતા. જુવાનજોધ પુત્રના અવસાનના જેવો મામલો મચી રહ્યો હતો. રાજના પોલીસ-અધિકારી ફતેહખાન પોતાની ટુકદી લઈને કામદારના ઘર પર આવી ઊભા હતા. પોલીસને બહાર ખડી કરી ફતેહખાન અંદર લાચાર ચહેરે વિનય ધરીને કારભારીને સમજાવતા હતા:

"પણ, સાહેબ, આપને ખાતરી છે, તો પછી ચાવીઓ આપવામાં વાંધો શો છે ?"

"નહિ, નહિ; ચાવીઓ નહિ આપું. મહારાજા રાઓલજીનું જ આ મકાન છે, એની જ આ ધરતી છે: સુખેથી એ જડતી લઈ શકે છે પણ તે તાળાં તોડીને, મારી ચાવીઓ વતી તાળાં ખોલીને નહિ."

"સાહેબ, પણ આમાં મારી કમબખ્તી છે. હું આપનું ફરજંદ: મારે ઊઠીને તાળાં તોડવાં !"

"જરૂર, રાઓલજી ઊઠીને પોતાના ફરજંદની જડતી લે છે, તો તમને શો વાંધો ? તોડવાં !"

"રાઓલજીને કોઈએ ભરાવ્યું છે, તે તો અબઘડી નીકળી જશે ને એ શરમિંદા બનશે, સાહેબ ! ફક્ત આપ જો...."

"કશું જ બીજું બનવાનું નથી, ખાનસાહેબ !" કારભારીનું શરીર ધ્રૂજી ઊઠ્યું હતું: "તોડો તાળાં ને ગોતી લ્યો ગંઠો."

એક પહેરણભર કારભારી ચોગાનમાં ઊભા રહ્યા. પરસાળને ખૂણે