પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૩૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એનાં નાનાં ભાણેજડાં રડારોળ કરતાં હતાં, ને જશોદા બે હાથ જોડીને વિનવતી હતી કે, "શા સારુ તોડાવો છો ? ચાવીઓ આપવામાં આપણું શું જાય છે ?"

"તું ઊઠીને મને આવી શિખામણ આપે છે કે ?"

કારભારીના સ્વરમાં ચિરાડો પડી રહી હતી.

ફતેહખાને બહાર જઈ ત્રણ-ચાર ઠેકાણે ટેલિફોનો કર્યા. ભારે પગલે એ ઘરમાં આવ્યા; સાથે સીદી સિપાહીઓ હતા.

મુખ્ય ઓરડામાં જઈને ફતેહખાને સિપાહીઓને પહેલી પેટી બતાવી.

એ પેટી ઉપર સિપાહીઓના હથોડા જે ક્ષણે પ્રથમ વાર પટકાયા, તે જ ઘડીએ એકસામટાં પંદર કુટુંબીજનોના કંઠમાંથી કિકિયાટા ઊઠ્યા. રડારોળ ન સહેવાય તેવી બની. ફતેહખાન લડાઈમાં જઈ આવેલો, કઠણ છાતીવાળો અફસર હતો; પણ આજથી પચીસ વર્ષ ઉપર એક કારભારીના ભર્યા ઘરનાં તાળાં રાજના દાગીનાની ચોરીના આળસર તૂટે એ બનાવમાં જે ભેદકતા રહી હતી, તે ભેદકતા યુદ્ધક્ષેત્રની કાપાકાપીમાં એને કદી જ નહોતી લાગી.

સુવાવડી બે દીકરીઓ ભીંત સાથે શિર પટકવા લાગી ત્યારે ફતેહખાનથી ન જોવાયું. એણે કારભારી તરફ નજર કરી: ડોસા ચૂપચાપ અડગ ઊભા છે: ડોસાના કપાળ પર એકસામટાં દસ હળ હાલતાં હોય તેવી ઊંડી કરચલીઓ ખોદાઈ રહેલ છે: ડોસાની સફેદ પાંપણો આંખો ઉપર ઢળી પડેલ છે.

ફતેહખાને જઈને કહ્યું: "સાહેબ, આ દીકરીઓ તાજી સુવાવડી છે: એની તબિયતનો વિચાર કરો...."

"રાઓલજીનીય દીકરીઓ છે ને, ખાનસાહેબ ! રાઓલજીને પણ ગમત માણવા દો !"

હથોડાની ઝીંકાઝીક બોલી. એક વાર મર્યાદાનો પડદો તૂટ્યા પછી સિપાહીઓને ભાંગફોડની લજ્જત આવી. એ ભાંગફોડે એક કલાકમાં તો ઘરને ખેદાનમેદાન કર્યું: તૂટેલાં પેટીઓ ને કબાટોમાંથી લૂગડાંલત્તાં ફેંદાઈ