પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

બેનને સાચવી રાખે છે કોઈક પચીસ વર્ષના વિલાયતી સારુ. અને પેલી એની આશ્રિતને વટાવવા બેઠાં છે પિસ્તાલીસ વર્ષના ત્રીજવરની પાસે."

"ત્યારે તો, ચાલોચાલો, આપણેય રાજેશ્વરભાઈને બનતી મદદ કરીએ."

શાક-મારકીટ તરફથી ઘેર જતાં લોકોએ બજારમાં સહુને જાણ કરી દીધી પણ રાજેશ્વરભાઈની સહીવાળી પત્રિકા દુકાનેદુકાને આ આગમચ જ વહેંચાઈ ગઈ હતી. રાહદારીઓ એ પત્રિકા વાંચતાં વાંચતાં એકબીજાં જોડે, તેમ જ ગાયો-ભેંસો જોડે પણ ભટકાતાં હતાં.

કારણ કે પત્રિકાની ભાષા બહુ અસરકારક હતી.

લોકો મોટા અવાજે કંઈક આવા શબ્દો વાંચતાં હતાં કે -

અમારા લોહીને અક્ષરે લખાયેલી -
અમે અમારું લોહી છાંટીશું
દરેક યુવકનું લોહી ઊકળવું જોઈએ.
આ લગ્ન નથી, લોહીનું વેચાણ છે.

આમ 'લોહી' શબ્દ પત્રિકામાં બંદૂકની ગોળી-શો ઊછળતો હતો, અને ઉચ્ચ વર્ણના હિન્દુઓ, વનસ્પતિના આહારી હોવાથી, 'લોહી' શબ્દના ઉચ્ચારે ચમકી ઊઠતા હતા. તેઓને એમ જ લાગતું કે જાણે તેઓની નજર સમક્ષ જ કોઈ કપાઈ રહેલ છે.

ગામના જુવાનિયાઓ જંગેશૂર હતા. તેમને શાંતિ ગમતી નહોતી. 'યૌવનને શાંતિ કે સમતા હોઈ શકે નહિ' એ રાજેશ્વરે આપેલો મુદ્રાલેખ જવાનોએ પીધો હતો. તેના કેફથી ભરેલી જુવાનોની આંખોએ આજે પોતાની સામે એક સમરાંગણ જોયું - ને એ સમરાંગણમાં 'લોહી'ની નદીઓ વહેતી કલ્પી.

વિભૂતિના ઘર ઉપર ધસારો કરવાને માટે રાજેશ્વરના આદેશ માત્રની રાહ જોઈ ઊભેલા જુવાનો રણશિંગડાં ફૂંકતા હતા, અને રાજેશ્વરભાઈના 'સેવા મંદિર'ના દરવાજા પાસેથી પસાર થઈ રહેલ પનિહારીઓને પત્રિકા આપતા હતા. પનિહારીઓ પૈકીની જે જે આનાકાની કરતી હતી તેને તેને જુવાનો