પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ જ શબ્દો કહેતા કે "તમારી જ એક બહેનનાં લોહીમાંસનું આજે લિલામ..."

સુગાઈને થૂંકતી પનિહારીઓ અધૂરે વાક્યે જ ત્યાંથી ચાલતી થતી. જુવાનો આ જુગજુગની પતિત અબળા જાતિની જડતા ઉપર હાસ્ય કરતા પાછા બ્યૂગલો બજાવતા.

[૨]

આ બ્યુગલના પડઘા અને આ પત્રિકાઓના થોકડા વિભૂતિને ઘેર પણ પહોંચી ગયા. થોડીવાર થઈ ત્યાં તો વિભૂતિ જે શાળામાં શિક્ષક હતો તે શાળાની જુવાન કન્યાઓ કેસરિયા રંગની સાડીઓ પહેરીને નાના નાના વાવટા ઉડાડતી આવી પહોંચી. તેઓ જે ગાન ગાતી હતી તેમાં આવા કશાક શબ્દો હતા:

અટકાવીશું!
અટકાવીશું!
લોહીનાં લિલામ અટકાવીશું

બીજું જોડકણું:

વિભૂતિભાઈ!
તમે ભાઈ કે કસાઈ!
ઊઠો, માંડવડે લાય:
આંહી ગાવડી કપાય-
હાય! હાય! હાય! હાય!


કન્યાઓ આખરે થાકીને ચૂપ થઈ. કેટલીક તો રડતી પણ હતી. તેઓએ પૂછ્યું: "વિભૂતિભાઈ, અમારે શારદાબહેનને જોવાં છે."

વિભૂતિ જવાબ આપે તે પહેલાં જ ત્યાં બેઠેલ એક પુરુષે કહ્યું: "શારદાને અત્યારે ફુરસદ નથી."

"ફુરસદ નથી! એવું જૂઠું શીદ બોલો છો?" આગેવાન કન્યાએ રોષ બતાવ્યો: "કહોને કે મળવા નથી દેવાં!"

"બિચારી પારેવડીને પૂરી રાખી છે;" બીજી કન્યાએ ભેદાતે કંઠે કહ્યું.