પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વતી પોતાના કમ્મરે લટકાવ્યો. હીરા તરફ તિરસ્કાર ભર્યા કૃપાકટાક્ષ ફેંકતી ફેંકતી ને નવનવી ચીજો માટેની હીરાની કાકલૂદીઓ સાંભળતી, એ બહાર નીકળતી હતી.

વચ્ચે જ હીરાની બા એને મળ્યાં. હીરાએ કહ્યું: "બા, શારદાબેનને કહો ને મને એમનું પેલું એક બ્લાઉઝ આપે!"

બાએ હીરાને કહ્યું: "શારદા! મારી શારદી તો બહુ મોટા દિલની છે. એને હવે શી ખોટ છે! આપશે આપશે! કેમ નહિ. શારદા!"

શારદાએ આજે પહેલી જ વાર કોઈ યોદ્ધાનો વિજય-મદ અનુભવ્યો: મામી - આ ખુદ મામી - જેમણે મને આજ સુધી હરેક શુભ અવસરે કે સુખને પ્રસંગે તારવવામાં, તરછોડવામાં, પોતાની હીરાથી હેઠી પાડવામાં પાછું વાળી જોયું નથી, તે જ મામીના મોંમાં આજે 'મારી શારદા'!

વિદ્યાલયની બહેનપણીઓને તો શારદા ભેટી જ પડી. બીજી કશી પૂછપરછ થાય તે પહેલાં તો શારદાના મોંમાંથી ટપ ટપ રસભર્યા ઉદ્ગારો છૂટ્યા: "આ જોયાં મારાં એરિંગ...?

"આ બાજુબંધ તમને કેવા લાગે છે?...

"આ લૉકેટમાં મારે એમની નાનકડી છબી પડાવીને મૂકવી છે...

"આ કાંડા-ઘડિયાળ તો એમણે મને બે વર્ષ પહેલાં ભેટ આપેલું. હવે તો એ કહે છે કે જૂનું થયું, બદલાવી નાખ. આ જૂનું તો હવે હીરા માંગે છે. છોને હીરા પહેરતી! એને બિચારીને કોઈ નહિ લઈ આપે."

કન્યાઓ બધી દિગ્મુઢ ઊભી હતી. ધીરેધીરે એ બધી પણ નજીક આવી. શારદાનાં એરિંગો, લૉકેટ, હાર અને બૂટાદાર સાડી ઉપર અનેક હાથો કુમાશથી ફરવા લાગ્યા.

બહાર મોટરનું યંત્ર ચાલુ થયું.

"હું અત્યારે તો નહિ બેસી શકું;" શારદાએ સહુની ક્ષમા માગી: "જુઓ, મોટર મારી રાહ જુએ છે ને અમારે ફોટો પડાવવાનો છે અત્યારે ચાલો ત્યારે... પછી નિરાંતે મળશું."

કપડાંના ઘેરદાર ઘુમરાટથી ઓરડાની હવાને કંપાયમાન અને