પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.


ચંદ્રભાલના ભાભી


[૧]

વાર્તાલેખક ચંદ્રભાલની સ્ત્રીનું જ્યારે અવસાન થયું ત્યારે આખાય ગુજરાતે પોતાને માથે આપત્તિ પડી માની. ચંદ્રભાલને ઘેર દિલાસાના કાગળો સવાર અને સાંજ બન્ને સમયની ટપાલમાં વરસવા લાગ્યા. એની મેડીના રવેશમાંથી માર્ગ પર વેરાતાં ખાલી પરબીડિયાં જાણે ધોળાં, કાબરાં ને આસમાની કબૂતરો જમીન પર ચણવા ઊતરતાં હોય એવી ઉપમા ચંદ્રભાલને સૂઝવા લાગી.

મરનાર સ્ત્રી પોતાની પાછળ એક નાના, દસ-બાર મહિનાના બાળકને મૂકી ગઈ હતી. બાળક માંદલો હતો. એના બરડાની કરોડમાં એક હાડકું પણ વધતું હતું. એને પાવામાં આવતું દૂધ કે પાણી એ બીજી જ ઘડીએ ઓકી કાઢતો હતો.

જે જે માસિકો-અઠવાડિકો ચંદ્રભાલની વાર્તાઓમાંથી પોતાની લોકપ્રિયતા પ્રાપ્ત કરતાં તે સર્વના સંપાદકોને મૂંઝવણ થઈ પડી. કેટલાકોની તો ચાલુ સળંગ વાર્તાઓમાં પણ ભંગાણ પડ્યું. મરેલનો વિયોગ અને જીવનારની જંજાળ એ જુવાન વાર્તાલેખકને દાણાની જેમ પીસી નાખતાં ઘંટીનાં બે પડો સમાં બની ગયાં.

ચંદ્રભાલની જ વાર્તાઓના સંગ્રહને પોતાની 'માળા'ના આવતા પુષ્પ તરીકે બહાર પાડવાનું વચન આપીને લવાજમો મેળવી રહેલા એક પ્રકાશકે ચંદ્રભાલને કહ્યું કે "આ લ્યો વધારે રૂપિયા. છોકરાને માટે આયા રાખી લો. બે નોકરો વસાવો. ફિકર ન કરો. ને તમે પછી માથેરાન - મહાબળેશ્વરની એક સહેલ મારી આવો. મન ચાહે તો તાજમહાલની