પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મહેકમહેક કરતી શારદા બહાર નીકળી ત્યારે એણે જુદો જ તમાશો જોયો: બે-ત્રણ મોટરગાડીઓ ઊભી હતી. જુવાનોના હાથમાં પત્રિકા, બ્યૂગલો અને વાવટા હતા. રાજેશ્વર પોતાના હોઠ પીસીને, છટાદાર અદબ ભીડીને બેઠો હતો. રાજ્યની પોલીસના ઉપરી અધિકારી પણ યુનિફૉર્મ ધારણ કરીને કમ્મરે તમંચો ટિંગાડતા આવી પહોંચ્યા હતા.

સુગંધી તમાકુની સિગારેટ પીતા પેલા આધેડ પુરુષની જોડે રાજેશ્વરને વાતો થતી હતી.

રાજેશ્વરે કહ્યું: "આપની ઉંમર આજે પિસ્તાલીસ વર્ષ, બે માસ અને સાડા-ત્રણ પહોરની છે. અમે આપની જન્મકુંડળી મેળવી લીધી છે. આપ આ બાબતનો ઇન્કાર નહિ કરી શકો."

"કેમ નહિ કરી શકું?"

"કેવી રીતે!"

"એ જન્મકુંડળી તો બનાવટી છે."

"તો આપનું સ્કૂલ સર્ટિફિકેટ પણ શું ખોટું!"

"હા જ તો; અમે સ્કૂલમાં પણ ઉમ્મર ખોટી લખાવેલી..."

"આપની ઉમ્મર કેટલી?"

"પૂરાં સાઠ વર્ષની."

"મશ્કરીની આ વાત નથી, આપ આ બહેનની જોડે લગ્ન નહિ કરી શકો."

"મારી જોડે કરવાં કે તમારી જોડે તે તો એ તમારાં બહેનને જ પૂછોને!"

"આપ તો પાંચ વર્ષ પછી મરી જાઓ એવી ધારણા છે."

"તો પછી આપને 'ચાન્સ' રહેશે ને!"

"આ માણસ બિનજવાબદાર છે. ક્યાં છે શારદાબહેન?"

"આ રહી હું..." શારદા બહાર આવી.

"બહેન, તમે...તમે..." રાજેશ્વર શારદાના રસ-છલકતા દીદારથી ઓઝપાયો.