પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"શું, ભાઈ? મેં તમારું શું બગાડ્યું છે?"

"તમે ફસાયેલાં છો; અમે તમને બચાવવા આવી પહોંચ્યા છીએ."

"ભાઈ, તમે ભૂલો છો. મને કોઈએ નથી ફસાવી. આ લગ્ન મેં મારી દેખતી આંખે જ કર્યું છે."

"બહેન, તમારી આંખ ભૂલી છે."

"છતાં તમારી આંખે દોરાવા હું તૈયાર નથી."

"બહેન, આ લગ્ન કજોડું છે."

"કશો વાંધો નહિ; મને ગમે છે ને મેં કર્યું છે. હું કાયદેસર ઉમ્મરલાયક છું."

"બહેન, તમે વર કરતાં ઘર ઉપર જ વધુ મોહાયાં છો. તમારી બુદ્ધિનો હ્રાસ થયો છે."

"ભાઈ, હવે વધુધટુ બોલવાની જરૂર નથી. તમારી કોઈની બહેનદીકરીના ઉપર હું શોક્ય બનીને તો નથી જતી ને?"

"તમે કેળવણી લજવી!" કહીને રાજેશ્વર પોલીસ અમલદાર તરફ ફર્યા, ને બોલ્યા: "આ બાઈને મતિવિભ્રમ થયો છે. એને આ લોકની અસરમાંથી નિકાલીને આઠ દિવસ અમારા 'સેવા-મંદિર'માં રખાવો."

"એ અમારા અધિકારની વાત નથી;" કહીને પોલીસ અમલદાર ઊઠ્યા: "બાઈ કાયદેસર ઉમરલાયક છે."

"ત્યારે તો અમે અમે હવે અમારા અધિકારને જોરે જ આ લોહીનાં લિલામ અટકાવીશું." એટલું કહીને રાજેશ્વરે વિભૂતિ તરફ આંખો માંડી: "તેં નવા યુગની કન્યાઓ કને ભાષણો આરડ્યાં, તારી બહેનોને નવું ભણતર ભણાવ્યું; શારદાએ નિબંધો લખ્યા અને સ્ત્રી-પરિષદોમાં ઠરાવો મૂક્યા: તે બધું..."

"તે બધું તમે સહુએ પઢાવેલું ને ભજવેલું નાટક." વિભૂતિએ પોતાની ચુપકીદી તોડી: "રાજેશ્વર, તારે શું જોઈએ છે?"

"તારી બહેનનું યોગ્ય લગ્ન."

"એટલે કે, ભાઈ, તમે જેને પસંદગી આપો તે લગ્ન ને?" શારદા બે ડગલાં આગળ આવી: "ને તમારી મરજી વિરુદ્ધનું લગ્ન મને પરણનારને