પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૪૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દેવેન્દ્રે દાઝથી સળગતાં કહ્યું: "આખરે તો સ્ત્રી ખરી ને! એને સાયબી જોઈતી'તી."

"હા, અને દેવેન્દ્ર શારદાને એમ આગ્રહ કરતો'તો કે તારે સાયબી નહિ પણ સુંદરતા જ સ્વીકારવી જોઈએ!" બીજાએ કટાક્ષ કર્યો.

"અ...હો!" બીજા જુવાનો દેવેન્દ્રની દાઝનો ભેદ સમજ્યા: "ત્યારે તો આ દિવ્ય સૌંદર્ય કેવળ પેલી દિવ્ય સાયબીનું હરીફ જ હતું, કેમ!"

એમ કરતાં કરતાં સ્ટેશન ખાલી પડ્યું; ને રાજેશ્વર પણ જ્યારે પોતાની મોટરકારમાં ઢગલો થઈને પડ્યો. ત્યારે અરણ્યને માર્ગે એને મનોમંથન શરૂ થયું; આ પણ પેલી જુનવાણી જાલિમીનું જ પુનરાવર્તન નથી શું? 'સમાજ' - 'સમાજ'ને નામે આ મારી નવી આપખુદી નહોતી શું?

મેં શરૂઆત કરી 'સ્ત્રીની સ્વતંત્ર પસંદગીનું લગ્ન' એ શબ્દો વડે; ને હું આજે આવીને ઊભો છું 'મારી પસંદગીનું લગ્ન સ્ત્રીએ કરવાનું છે...' એ શબ્દો ઉપર!

ન જોયો એનો જીવન-ઈતિહાસ: ન ઊકેલ્યું એનું લાગણીતંત્ર: ન પિછાની મને ચડાવનારાઓની છૂપી મનેચ્છા ને પછી તો વળગી રહ્યો કેવળ મારા અંગત વિજયની જ વાતને!

મને સાચેસાચું શું ખટકે છે?

શારદાનો મેં માનેલો વિનાશ?

કે મારો તેજોવધ!

રાજેશ્વરની મોટરકારના ધૂળ-ગોટાને પોતાનાં કપડાં પરથી ખંખેરતા લોકો ફરી પાછાં શાકભાજી ખરીદતાં બોલ્યાં કે, "આ વખતે આને કાંઈક ચાંપી દીધું લાગે છે પેલા પિસ્તાલીસિયાએ!"

એકાદ વર્ષ પછી રાજેશ્વરે પોતાના પર આવેલો એક કાગળ વાંચીને મોં મલકાવ્યું. એમાં લખ્યું હતું:

તમારા નાના ભાણેજને રમાડવા તો આવી જાઓ એક વખત!
લિ. સેવક
પિસ્તાલીસિયો.