પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સાંભરણમાંથી ટાંકવા માંડ્યા: "અરે ભાઈ, જેસંગો સિપાહી કોળી હતો: એને લઈને એક અમલદાર, - નામ નહિ કહું - એની છોકરી ભાગી ગઈ. વળતે દિવસ તો છોકરીના વિવાહ થવાના હતા; છતાં, કોણ જાણે શાથી, એ જેસંગાની જોડે ભાગી - ને, સાંભળવા પ્રમાણે, જેસંગો એ છોકરીને ખાતર રાનરાન ને પાનપાન થઈ ગયો.

"બીજો અફલાતૂન નામનો મિયાણો પોલીસ: ગામના ચીફ જજ સાહેબની વિધવા પુત્રવધૂનો બોલાવ્યો રાતે બંગલા પર ચડ્યો. ખબર પડી. પોલીસોએ કહ્યું કે ઊતરી જા ને સુપરત થા નહિતર ફૂંકી દેશું. મિયાણો કહે કે, નહિ ઊતરું; હું જીવતો છું ત્યાં સુધી આ બાઈના બેહાલ નહિ થવા દઉં, એની આડે ઊભો ઊભો જ ગોળીઓ ઝીલીશ. માફ કરજો બેઅદબી, પણ, રાવબહાદુર, મરદનો બચ્ચો પટકાયો ત્યાં સુધી બાઈનું કાંડું ઝાલીને જ ઊભો રહ્યો. કાંડું ન છોડ્યું"

આમ, શઢમાં પવન ભરાય ને જેમ મછવો છૂટે, તેમ જ પોલીસ-ઉપરીના મગજમાં વાતોનો પવન ભરાયો. દસેક સિગારેટોની રાખની ઢગલી ચઢી, ને મોડાં મોડાં મહેમાનો ઘરે જવા ઊઠ્યાં.

[૨]

રમાને લઈને સ્ટેશન પર જે વ્યક્તિને મળવા જવાનું હતું તે ભાઈ વીરભદ્ર હતા. વીરભદ્ર એક સુંદર, શિષ્ટ અને જ્ઞાનપ્રેમી જુવાન હતા; વિલાયતથી પાછા વળેલા હતા; ને કોઈ સારી, સુખની નોકરીની શોધમાં હતા. રાવબહાદુર સુમંત પણ રમાને માટે કોઈ મુરતિયાની શોધમાં હતા. આમ, શોધે ચડેલા બે માણસોને એકબીજાની જાણ થઇ હતી. બેઉએ સ્ટેશન પર મળવા કરેલો સંકેત બર ન આવ્યો, તેથી ચાર-પાંચ દિવસે વીરભદ્ર એક ઠેકાણે નોકરીની શોધ કરી પાછા ફર્યા ત્યારે એમને ઉતારી લેવામાં આવ્યા.

બે દિવસ રમા અને વીરભદ્ર જોડે રહ્યાં. બેઉએ એકબીજાને ઓળખવાનો બારીક પ્રયત્ન કર્યો.

બન્નેને એકબીજાંનો મોકળો પરિચય થાય તે સારુ થઈને રાવબહાદુર