પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૪૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"એટલે કે જેના ઘરમાં ખૂબ ભણેલગણેલ, સંસ્કારી, વાર્તાલાપમાં પ્રવીણ અને સુંદર પત્ની હોય."

"સુંદર પત્ની ?"

"હા-હા-હા..." વીરભદ્ર હસ્યો: "જુઓને પેલા ...ને કલેક્ટરમાંથી લઈ બીજી એક જગ્યા પર મૂક્યા, ને ... ભાઈ એનાથી વધુ બાહોશ છતાં ન મુકાયા; કેમ કે ઉપરી અધિકારીએ ભલામણમાં સ્પષ્ટ લખેલું કે મિ. ...ને સંસ્કારી, વાર્તાપટુ અને સુંદર પત્ની છે."

રમા ચૂપ રહી. વીરભદ્રે ઉમેર્યું: "એટલે જો તમે સાથે હોત તો સાહેબનો અભિપ્રાય કંઈક બીજો જ થયો હોત."

વળતે દિવસે રાવબહાદુરે જ્યારે રમાને છેલ્લો વિચાર પૂછી જોયો ત્યારે એમને ચોંકાવનારો જવાબ મળ્યો: "થોડા મહિનાની રાહ જોઈએ."

વીરભદ્રને આથી ઊંડું દુઃખ થયું: રમા કેટલી ગણતરીબાજ છે ! મારી નોકરી નથી થઈ અને કદાચ થાય કે નહિ થાય એવા અવિશ્વાસમાં પડીને જ રમા છ મહિનાનું પગથિયું મૂકે છે. એને તો માયરામાં સપ્તપદી પૂરી કરીને આઠમું પગલું મારી પોતાની મોટરમાં જ મૂકવું છે; નવમે પગલે તો એને હરિયાળો, ફૂલ્યોફાલ્યો બગીચો જોઇએ છે !

રોષે બળતો વીરભદ્ર વિદાય થયો તે પછી રમાએ ઘરમાં જુદા જ પ્રકારની મોકળાશ અનુભવી.

રાવબહાદુરની જોડે જ રોજ સાંજે ગાડીમાં નીકળનારી રમાને હવે પછી નમતા બપોરે ગાડી કાઢીને એકલા નીકળવાનું દિલ થવા લાગ્યું. અને, સૌથી પ્રથમ તો, ટાવર ચોકમાં લાલજીના પહેરા તળેથી જ પસાર થવાની શરમ તોડવાનો એણે મનસૂબો કર્યો.

તે દિવસે લાલજીએ રમાની ગાડી બાજુનો ટ્રાફિક રોકી રાખ્યો ત્યારે રમાને આ માણસ તરફ ઘૃણા ન થતાં માનબુદ્ધિ જન્મ પામી. મનમાં થયું કે, આ માણસની ખુમારી તો જુઓ ! બરતરફીની કે નોકરીમાં ખરાબ શેરો થવાની કશી જ બીક વગર, ઇરાદાપૂર્વક એ મારી ગાડીને અટકાવીને ઊભો રહ્યો છે.