પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પ્રેમયાત્રા કરો. પ્રેરણા મળશે."

પણ ચંદ્રભાલને ફક્ત નોકરોથી ચાલે તેમ નહોતું. એને તો કોઈ આશ્વાસક અને ગૃહની શૂન્યતાને પૂરે તેવી સહાય જોઈતી હતી. ચંદ્રભાલે એક મિત્રને કહેવરાવ્યું: "આંહી મારી જોડે આવીને તમે અને વૃંદાબહેન રહેશો?"

મિત્રે કાગળનો જવાબ વાળ્યો: પોતાને તો ઑફિસમાંથી રજા મળવાની નથી, ને એકલા પુરુષવાળા ઘરમાં વૃંદાને તો કેમ જ મોકલાય? લોકાપવાદ લાગતાં કંઈ વાર લાગે? પત્નીને એણે ઘેર જઈ વાત કરી, તે સાથે લોકાપવાદનો ડર પણ બતાવી દીધો.

પત્નીને વાર્તાનરેશ ચંદ્રભાલના ઘરનો અંધકાર હરવા જવાના કોડ તો હતા, પણ લોકાપવાદની ચિંતા એને સાચી લાગી.

એક બીજા સ્નેહીએ વગર પૂછાવ્યો જ સંદેશો મોકલ્યો કે આવતા ગુરુવારે હું અહીંથી મારાં બાળબચ્ચાંને તારી સંભાળ લેવા રવાના કરું છું; તારે ઠીક પડે ત્યાં સુધી રોકજે.

ચંદ્રભાલે વળતો જ તાર કર્યો કે 'ન મોકલતા. કાગળ વાંચો.'

પણ તાર પછી જે કાગળ ગયો તેમાં ખરી વાતનો નિર્દેશ નહોતો. ખરી વાત આ હતી કે આટલી મમતા બતાવનાર એ મિત્રનાં પત્ની ઝબકબહેન હંમેશાનાં આજારી રહેતાં તેમ જ એમની સાથે પાંચ છોકરાનું કટક હતું. ચંદ્રભાલને લાગ્યું કે આ મિત્રસહાયનો મર્મ કુટુંબને હવાફેર તેમ સ્થળફેર કરાવવાનો હતો. ઝબકબહેનનું આગમન જાતજાતનાં સરકારી કમિશનો માયલા એક કમિશન જેવું થઈ પડશે તેવી એને ખાતરી હતી.

પોતાના વાર્તાસંગ્રહો જેને અર્પણ કર્યા હતા તેવી કેટલીક સ્નેહી સ્ત્રીઓથી પણ ચંદ્રભાલનું જીવનવન મહેકમહેક હતું. મા વિનાનાં બાળકો વિષે અને સ્ત્રીને હારેલા સ્વામીઓ વિષે ચંદ્રભાલે લખેલી વાર્તાઓ વાંચીને આ સ્નેહમૂર્તિ બહેનો ચિત્રકારનાં ચિત્રોને વીસરાવે તેવી વ્યથાભરી રીતે રડી હતી. તેમણે પણ ચંદ્રભાલને 'મન કઠણ કરીને કામમાં લાગી જજો!' કરતાં વધુ કશું લખ્યું નહિ.