પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૫૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

વર્ષનાં ઝીણાંમાં ઝીણાં સંભારણાં ઉકેલવાનું આદર્યું. માતાનું હ્રદય, પાઇએ પાઈનો હિસાબ રાખનાર વાણિયાના ચોપડા જેવું, યાદ કરવા મંડી પડ્યું કે 'અરેરે ! બાપડી દસ વરસની થઈ ત્યાં સુધી સુરવાલ પહેરતી: અરેરે મોઈ ! એના બાપ ગામડાંની ફેરણીમાં નીકળતા ત્યારે દરિયાકાંઠાનાં ગામોમાં ગરાસિયાનાં ચરતાં ઘોડાંને માથે છાનીમાની સવારી કરતી: મોઈને ઘોડાં પછાડતાં તે ઘેર આવીને છાનીમાની હળદર લેપ લગાવતી: અરેરે ! મોઈ લગામ વગરનાં, અજાણ્યાં ઘોડાંને કેવી દોટો કઢાવતી ! એના ઘૂંટણ ઉપર હજુ એ પછાડના કેટલા ડાઘ છે ! ને હું નોઈ એને, ઉપર જાતે વેલણ સાણસી મારીને શિક્ષા કરતી - અરેરે...'

"બા ! ઓ બા !" ગંગુ - ઘરની જૂના કાળની વફાદાર નોકરડી - સમજાવવા લાગી: "બા, તમે બુમરાણ ન કરો ને ! ઘરની આબરૂનો તો વિચાર કરો !"

"મને કશા જ બીજા વિચાર નથી. અરે મારી રમુ ! ગામડાંની ગલીઓમાં કોળણો ગરબે રમે ત્યાં જવા કેવી તલપાપડ થતી ! તાજપર ગામના તાજિયા જોવા સપારણો જોડે ચાલી જતી: રંગનાથને મેળે જવા તો માથાફોડ કજિયો.... પછી એના બાપા સોટી વગર બીજી વાત જ નહોતા કરતા: અરે ચૌદ વર્ષની થઈ ત્યારથી તો આ સડક પાસેના ઓરડામાં જવાની જ મારી રમુને મનાઈ: જાણે ઘરનો કોઈ ચુંવાળિયો ચોર ! ને મોઈ રમુડીય કેવી ! મોઈ કોણ જાણે કેવી ચડીલી થઈ હતી કે એ ઓરડામાં આવ્યે જ રહે, બારીઓમાંથી બહાર ડોકિયું કરે જ કરે. ને પછી એના બાપા મારે, હુંય મારું. હજુય એનાં ઢીમણાંના ડાઘા રમુના બરડામાં પડેલા છે. ને, અરેરે, હવે વીસ વરસની થઈ, વર ગોતવાની વેળા આવી.... ન પોસાય ગામડિયાં ઠેકાણાં, કે ન જડે મોટાં ખોરડાં - એટલે પછી સુધારાના રસ્તે ચઢાવી દીકરીને. અરે મોઈ ! મને તો આમાં કશી સૂઝ જ ન પડી.... આંખો આડે ઇંદ્રજાળ જ ઘેરાઈ ગઈ ! ને હું મારી દીકરી હારી બેઠી.... રે.... ઓ રમુ રે...."