પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૫૨

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

[૪]

વળતા દિવસની સવારે આકાશનો બ્રહ્માંડ-દીવો અણુએ અણુની ચોરીછૂપી પ્રકટ કરતો હતો, ત્યારે શહેરથી દસેક કોસ ઉપર, સેંજળી નદીના ખડક ઉપર, બેઉ જણાં બેઠાં હતાં: રાવબહાદુરની પુત્રી રમા, અને પઠાણ બાપ તથા બામણી માતાના સંયોગમાંથી નીપજેલો પુત્ર સિપાહી લાલખાં ઉર્ફે લાલજી. લાલજી પોતાના હાથની મુઠ્ઠી ઉપર પોતાનું પાળેલ તેતર રમાડતો હતો. રમા છલું છલું સ્વરે વહેતી નદીના પાણીમાં પોતાના પગ ઝબકોળતી હતી.

અને રમા રડતી હતી.

"પણ તું રડે છે શા માટે ? મને અહીં તેડી તો તું જ લાવી ને હવે રડે છે !" લાલજીને અજાયબી થતી હતી.

પાળેલું તેતર જંગલની વિશાળ જન્મભોમને નીરખી, એ વિશાલતામાંય ન ઝીલી શકાય ને ન સમાવી શકાય તેટલા મોટા કિલકિલાટે પોતાના ના કંઠને ભેદતું હતું.

ધરતીમાં બાઝેલું ઝાડ તોફાની વાયરાને સુસવાટે જ્યારે જડમૂળમાંથી ઊખડે છે ત્યારે એક જાતનું આક્રંદ કરે છે: કહેવાય છે કે કેળ જ્યારે વિયાય છે ત્યારે પણ પ્રસવની ચીસો જેવી ચીસો પાડે છે.

રમાના જીવનમાં એવી જ કોઈ ચીસ ઊઠી હતી. એ ચીસ નહોતી કોઈ દુઃખ કે પશ્ચાતાપની; નહોતી શુદ્ધ સુખ કે સ્વતંત્રતાની. અકલિત કોઈ ઝંઝાવાત એનાં જીવન-મૂળને પૃથ્વીના પેટાળમાંથી ખેંચી રહ્યો હતો.

ઊંચી ભેખડો પરથી રાવબહાદુર તથા પોલીસ-અધિકારીનાં શરીર ડોકાયાં ત્યારે લાલજી રમાને ખોળામાં લઈને પંપાળતો હતો.

ત્યાંથી એ જમૈયો લઈને ઊભો થયો. એણે જમૈયાનું ચકચકતું પાનું બતાવીને જ બેઉને ચેતવણી આપી: "રાવબહાદુર !" પોલીસ ઉપરીએ સલાહ આપી: "આપ પાછા પહોંચો. હું આ પશુને કબજામાં લઉં છું. બે હશું તો એ વાઘ વીફરશે."