પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૫૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"રમા - મારી રમા !" રાવબહાદુરનો સ્વર ફાટી ગયો.

"ઓ મારા બાપાજી !" કહેતી રમા ભેખડ તરફ દોડી.

"નહિ..." લાલજીએ એને હાથ ઝાલીને થોભાવી; લાલ આંખો કાઢીને એણે કહ્યું: "તું મને એકલાને જ ખતમ કરવા માંગે છે ? આવી બેઈમાની ? હવે તો બેઉ સંગાથે જ મરશું યા જીવશું."

રાવબહાદુર અદ્રશ્ય બન્યા. પોલીસ-અમલદારે લાલજીના સામે પોતાના બેઉ હાથ ઊંચા કરીને પોતાની નિઃશસ્ત્રતાની એંધાણી બતાવી. લાલજીએ જમૈયો મ્યાન કર્યો. રમા ખડક પર બેસી ગઈ.

કુશળ કોઈ પશુશાસ્ત્રીની પેઠે મોં પર સ્મિત ધારણ કરીને પોલીસ-ઉપરીએ લાલજીને હાથ કર્યો; પહેલું કામ એણે એની પીઠ થાબડવાનું કર્યું: "શાબાશ, દોસ્ત ! તેં પણ મર્દાઈ કરી ! અપમાનનું ખરું વેર લીધું ! કશી જ ફિકર નહિ. પણ જો, દોસ્ત ! તારી મા રોતી હોત તો તને શું થાય? આની મા છાતીફાટ રુવે છે. એક વાર તેને મળી લેવા દઈએ. પછી તમે બેઉ ચાહે તો ધરતીના છેડા પર નાસી જજો. હજુ હમણાં તો આ છોકરી પણ અકળાશે ને તને મૂંઝવી નાખશે."

'મા રુવે છે...' એ બોલ લાલજીના તંગ દિલને ઢીલું પાડવા લાગ્યા. એણે પોતાની માને કબરમાંથી સાદ કરતી સાંભળી.

લાલજી માની ગયો.

રમાને લઈ, છેક સંધ્યાના અંધાર-પડદા પડી ગયા પછી જ, ગામમાં મોટર દાખલ થઈ.

લાલજી પાછો શહેરમાં પંહોચ્યો ત્યારે એને નોકરી પર ચડાવી લેવામાં આવ્યો.

ગામમાં ચણભણ ચણભણ તો થઈ ચૂક્યું હતું. મોટે અવાજે કોઈ બોલી શકતું નહોતું. ન બોલી શકનારાઓ પોતાની નૈતિક કાયરતાને છાપખાનાની ઓથ લેવરાવવા લાગ્યા. વર્તમાનપત્રોએ પોતાના ખાસ પ્રતિનિધિઓ મોકલીને લાલજી સિપાહીની તસ્વીરો મેળવી લીધી.