પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૫૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

[૫]

રમાનું શું કરવું ?

રાવબહાદુરે મુરતિયા શોધવા માંડ્યા.

રમાને વચમાં દેશસેવાની લગની લાગી હતી. એ રાષ્ટ્રધ્વજો વેચવા નીકળતી. ખાદીની ફેરી પર ગયેલી; 'પિકેટિંગ' પણ કરતી.

કોઈ દેશભક્તને પરણાવશું ? સુખી થશે.

દેશભક્તનાં લગ્ન કરાવી આપનાર, કુલગ્નો તોડાવી નાખનાર અને લગ્નની બાબતમાં સમાજના કટ્ટર ચોકીદાર ક્રાંતિકારીઓનું એક મંડળ શહેરમાં ચાલતું હતું. એના સરદાર રાજેશ્વરભાઈની પાસે જ્યારે રાવબહાદુર પહોંચ્યા ત્યારે રાજેશ્વરે ટેબલ પર મુક્કીઓના હથોડા મારતેમારતે તાલબદ્ધ શબ્દોમાં કહ્યું કે "એમાં શી મોટી વાત છે, સુમંતજી ! માફ કરજો. હું તમને 'રાવબહાદુર' તરીકે નથી સંબોધી શકતો - બાકી, રમાબહેનની આ વિકૃતિ જ છે માત્ર. એને શુભ વહેનમાં વાળી દઈ શકાશે. લગ્નના મુરતિયા તો મારા ગજવામાં જ પડ્યા છે: કહો, પછી કંઈ કહેવું છે ?"

"કોણ કોણ છે, કહેશો ?"

"એક તો અહીંના આર્ય મહિલા વિદ્યાલયના અધ્યાપક છે. બહુ સુશીલ યુવાન છે. પોતાની પત્નીને દેવી ગણી પૂજે તેવા છે. એની સદ્ગત પત્નીનાં કપડાં સુધ્ધાં એ ધોઈ દેતા; બાળકને સાચવીનેય પત્નીને સેવાકાર્યમાં ઘૂમવા દેતા. ઊંચે સ્વરે સ્ત્રીને કદી કટુ શબ્દ સરખોય ન કહે તેવા ભાઈ છે."

"આ બનાવથી એમને કશો વાંધો નહિ આવે ને ?"

"નહિ નહિ. એ તો અતિ ઉદાર ભાવનાવાળા પુરુષ છે; ક્ષમાદષ્ટિથી જોઈ શકશે. વળી રમાબહેન પણ વિદ્યાલયમાં ભણીગણી પોતાની વિકૃતિનું નિવારણ કરશે. અમારા તમામ શિક્ષકો પ્રખર માનસશાસ્ત્રીઓ છે."

એ અધ્યાપક ભાઈએ રાવબહાદુરને બંગલે તેડાવવામાં આવ્યા. રમાને, એ ઉમેદવાર નજરે પડે તે સારુ, કંઈ ખબર આપ્યા વગર જ પિતાજીના દીવાનખાનામાં બેસારી રાખી હતી.