પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૫૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અધ્યાપક દાખલ થયા ત્યારે જાણે કે દરેક પગલું વિચારપૂર્વક ભરતા હતા. એના મોંમાંથી 'જી', 'હાજી', 'આપ' વગેરે વિવેક-પુષ્પો ઝરતાં હતાં. એની હાથ જોડીને નમન કરવાની છટા અજંટાનાં ચિત્રોની યાદ દેવરાવે તેવી હતી. એમણે વાતવાતમાં કશોક સુગંધનો પ્રસંગ નીકળતાં પોતાની સુરુચિનો ભાસ એવું કહીને કરાવ્યો કે "જુઓ સાહેબ, અત્તરની ખુશબો માદક છે, એ બહેકાવી મૂકે છે; જ્યારે અગરબત્તીની સુગંધ વાતાવરણમાં કેવી મીઠી સાત્ત્વિકતા પ્રસરાવી દે છે !"

રમા ઊઠીને ચાલી ગઈ. એને આ કોઈ નમાલો માણસ જણાયો. અત્તરને વગોવનાર માણસ ઉપર વેર ઘડવાની એની દાઝ એને મેડી પર લઈ ગઈ. કબાટમાંથી એણે અત્તર કાઢીને પોતાને શરીરે લગાવ્યું ને પછી અરીસા સામે જોતી ઊભી રહી.

સાંજે પોલીસ ઉપરી કાકા આવ્યા. રાવબહાદુરે એમને અધ્યાપકની વાતથી વાકેફ કર્યા.

પોલીસ ઉપરી ખૂબ હસી પડ્યા.

"કેમ ?"

"અરે રાવબહાદુર, રમાને માટે વર શોધો છો કે કંઈ સ્વપ્નલોકમાં વિહરો છો ?"

"તમારું શું કહેવું છે ?"

"એ કે કાં તો અમારી પાસે ફરીવાર શહેરના કૂવાઓ ડખોળાવવા માગો છો; કા એ પંતુજીનું ઘર ભૂંડે હાલે ભંગાવવા માગો છો; કાં એ બાપડાની પીઠમાં જમૈયો ખૂંતે એવી આપની નેમ છે અથવા તો પછી રમાને આખરે વેશ્યાવાડે ધકેલવા માગો છો આપ."

રાવબહાદુરના મોં પર રાતા-પીલા રંગો દોડધામ કરવા લાગ્યા. પોલીસ-ઉપરીએ કહ્યું: ક્ષમા કરજો: દેશભક્તોને જેમ એમની ભાષા છે, સુધારકોને અને માનસશાસ્ત્રીઓને જેમ એમનીય શિષ્ટ ભાષા છે, તેમ અમારે પોલીસને પણ અમારી વિદ્યાનું મુકરર ભાષા-વાહન છે."

"તેનો નમૂનો તો તમે બતાવ્યો; પણ હવે શું ?"