પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૫૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"દૂધ જેવું નિર્મલ ન હોત તો હું એના નામ પર થૂંકત."

"શરાબ ?"

"છાંટો પીતો હશે: તે કાં તો રમાબહેન છોડાવશે - નહિ તો રમાબહેન પણ પીવામાં શામિલ થશે."

"રમાને એ ગમશે ? લાલજીની ધૂન છૂટશે ?"

"તે બધી વેતરણ હું કરી દઉં છું."

બીજો દિવસ હતો. પોલીસ-અમલદાર ટાવરચોકમાંથી પસાર થયા. લાલજી પહેરા પર હતો. ખબર પૂછ્યા: "કેમ, લાલજી !"

"સા'બ ! તુમને હમકો ફરેબ દિયા; હમારા સર કાટ લિયા."

"લાલજી ! ખલકના ખેલ એવા છે. તારામાં તુંપણું હોય તો અજમાવ: રંડી આપોઆપ જવાબ દેશે."

"સાફ સાફ બોલ દેતા હૂં, સા'બ, મૈં રંડીકા નાક કાટ લૂંગા."

નાક કાપવાની ધમકી પોલીસ-ઉપરીએ રમાના કાન પર પહોંચાડી. એનું લોહી તપી ઊઠ્યું. પછી એ પેલા તપેલા ચરુને ખદબદાવવા માટે પોલીસ ઉપરી ત્યાં જાતે હાજર થઈ ગયા: "નાક કાપવાની ધમકી આપે એમ ? અને તારા નાકની રક્ષા કરનારો કોઈ મર્દ ન મળે ? તને રંડી કહેનારનાં ગાત્રો થરથર કંપી ન ઊઠવાં જોઇએ ! એવા કોઈ રક્ષક વિના, રમા, બેટા, તુઇં હવે સલામત નથી..."

તે પછી થોડા જ વખતમાં પોલીસ-ઉપરી કાકાની કરામતને પરિણામે રમણ સટોડિયાની ગાડી રમાના દ્વાર પર આવી ઊભી રહી: રમણના લલાટ પર ખુશબોદાર તેલે ચમકતાં જુલ્ફાં ઝૂલતાં હતાં: એના કોટનાં બાતુન ખુલ્લાં હતાં: એના કંઠમાં સોનાનો એક છેડો હતો: મોંમાં સિગાર હતી: હોઠ એક રૂપિયાવાળી પાનપટ્ટીથી રંગાયેલા હતા. રમાને પોતાની જોડાજોડ બેસાડીને રમણે બરાબર ટાવર ચોક પર ચલાવી: ચોકની વચ્ચોવચ્ચ ગાડી રોકીને રમણે બહાર ડોકું કાઢ્યું: રિવોલ્વરને હવામાં વિંઝતો એ બોલી ઊઠ્યો: "ખાનદાન ઔરતનું નાક કાપવાવાળાને મારે જોઈ લેવા છે - હાલ્યા આવજો માઈના પૂત હો તો !"