પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છેવટે, પિસ્તાલીસેક વર્ષની એક વિધવા કણબણને ચંદ્રભાલે છોકરાની સંભાળ રાખવા માટે રોકી. પહેલા જ દિવસે સાંજના અંધારાં ઊતરવા લાગ્યાં એટલે બાઈએ કહ્યું: "ત્યારે હું જાઉં છું, ભાઈ ! સવારે આવીશ."

"કેમ?" ચંદ્રભાલ ચમક્યો. બાઈ પણ વિસ્મયતાભરી ઊભી થઈ રહી. "તમે રાત નહિ રહો?"

"રાત! ના રે, ભાઈ! તું મને કહેતાં લાજતો ય નથી!"

"અરે પણ, માજી!" ચંદ્રભાલ એને સમજાવવા માગતો હતો. "આ છોકરાને..."

"ચૂલામાં જાય તારો છોકરો, હું ઘરડી આખી તારા - વાંઢાના - ઘરમાં છોકરું સાચવવા રાત રઉં!!! મને તેં એવી નકટી જાણી!"

"ઠીક, માજી! કાંઈ નહિ. મારી ભૂલ થઈ." એવું રગરગીને હાથજોડ કરતો ચંદ્રભાલ ઘરમાં ચાલ્યો ગયો.

[૨]

પ્રભાતની પ્હો ફાટતી હતી ને બાળકની મૂંગી જીભમાંથી અસ્પષ્ટ ચીસો ફાટતી હતી. વધતું હાડકું એક વરસના છોકરાના વાંસામાં ખીલાની માફક ઠોકાતું હતું. સ્ટવ ઉપર દૂધ ગરમ કરતો ચંદ્રભાલ શીશી સાફ કરવા જતાં શીશી પરની રબરની ડીંટડીને ક્યાંક ભૂલતો હતો.

તે જ વખતે સડક પર એક ટપ્પો અટક્યો. ઘરનું કમાડ ભભડાવીને ટપ્પાવાળાએ હાક મારી: "સંદરભાણ શેઠ, ઉઘાડો; મે'માન છે."

ચીસો પાડતા બાળકને અને સ્ટવ પર ઊભરાતા દૂધને મૂકીને ચંદ્રભાલ બારણા સુધી ચાલ્યો તે દરમિયાન એક જ મિનિટમાં એનાં કલ્પનાચક્ષુઓ સમક્ષ પોતાની સાહિત્યસખીઓના તેમ જ મિત્ર-પત્નીઓના મધુરા ચહેરા સળવળી રહ્યા. વાર્તામાં શોભે તેવી કોઈ મર્મવેધક મિલનઘડી જાણે આવી પહોંચી છે. અંતરની વેદનાનાં હિમશૃંગો હમણાં ઓગળશે અને આવનાર સ્નેહજનના આશ્વાસનથાળમાં ઝિલાશે!

પરંતુ કમાડ ઊઘડ્યું ત્યારે ચંદ્રભાલની કવિતા-કૂંપી ફૂટી પડે તેવું