પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

.


જયમનનું રસજીવન


કાં , તું આવે છે કે ? “ ઓસરીમાં બેઠેલા જયમનભાઈએ પાનની પટ્ટી ચાવતાં –ચાવતાં લજજતથી પોતાનાં પત્ની રમાબહેનને બોલાવ્યાં.

દરેક જીવજંતુનો આનંદ પારખવાની અમુક એંધાણી હોય છે: ઢોર વાગોળે છે ; કૂતરાં જીભ લસલસ કરે છે; કબૂતર ડોક ફુલાવીને ઘૂઘવે છે; કાબર ડોલતી ડોલતી ચાલે છે. મનુષ્ય પૈકી અનેક અધમીંચી આંખો રાખી એક પગે હિંડોળો ચલાવે છે; કોઈ ગાયન ગાય છે; કોઈ નાકમાંથી ગૂંગા કાઢે છે; કોઈ ચોટલી ઝાપટીને ગાંઠ વાળે છે; કોઈ દાંત ખોતરે છે. ખુશાલીનો કેફ દર્શાવનારી આવી અનેક ચેષ્ટાઓમાં જયમનભાઈની ચેષ્ટા એ હતી કે બે સુંદર પાનપટ્ટીઓ તૈયાર કરીને પછી રમાબહેનને બોલાવવાં : ‘કાં, તું આંહી આવે છે ને ?’

“એ ...આ આવી !” રમાબહેને રસોડામાંથી જવાબ દીધો.

થોડી વાર થઈ .જયમનભાઈને ઘણો સમય ગયો લાગ્યો ; ફરીને કહ્યું : “કાં, આ તારા સારુ પાન બનાવેલું તે વાટ જુએ છે.’

“એ... આ ચૂલો પેટાવીને આવી.”

“ પણ અત્યારમાં શી ઉતાવળ છે? આપણે ક્યાં નોકરીએ કે મજૂરીએ હાજર થવું છે ? ને તું આખો દિવસ ભઠિયારખાનું જ કર્યા કરે એ મારાથી સહેવાતું નથી. સ્ત્રી-જાતિ પર ગુજરતો આ જુલમ.....”

ઘણુંખરું પુરુષોને પોતાના ચા-પૂરી વડે ચિકાર થયેલા પેટ પર હાથ ફેરવતાં ફેરવતાં જ આ ‘ સ્ત્રી – જાતિ પર ગુજરતા જુલમ ‘ ની વાત યાદ આવે છે, પણ જયમનભાઈનું કંઈ તેવું નહોતું: આ તો એમની રગેરગમાં ઊતરી ગયેલી લાગણી હતી.