પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

“મારા હાથ ગ્યાસલેટવાળા છે; “ ચૂલામાં કાકડી મૂકીને રમાએ કહ્યું : “આ ધોઈને આવી”

“નહિ, ધોવા નથી : એમ ને એમ આવ.”

“હમણાં જ ધોઈ લઉં”

“ કહું છું કે એમ ને એમ ચાલી આવ “

રસોડાના ‘પાર્ટિશન’ની ચિરાડ સોંસરી જ રમાની આંખો ક્યારની જોઈ રહી હતી. રસોડામાંથી ઊઠતા એના અવાજમાં જે મીઠાશ ગળતી હતી, કોણ જાણે શાથી , એની આંખોમાં નહોતી.

“આવછ કે નહિ?”

એ અવાજ હતો તો જયમનભાઈના જ ગળાનો, પણ એની અંદરના સૂર બદલાયેલા હતા, રમા સફાળી ઊભી થઈને ઓસરીમાં ગઈ. જયમને કહ્યું : “કેટલીવાર બૂમો પાડવી? એક વાર ‘આવ' કહું એટલે સમજી જવું; બરાડા ન પડાવવા. આંહીં આજુબાજુ માણસોનો પડોશ છે- જાણછ ને ?”

રમાના મોંનો મલકાટ બતાવતો હતો કે એ અત્યારે હાસ્ય અને આંસુ બનેંની સરહદ ઉપર ઊભી છે.

“લાવો પાન “ રમાએ બગડેલા હાથ ઉપર સાડીનો છેડો રાખીને અંજલિ ધરી.

‘નહિ, એમ નહિ ; ફાડ મોઢું”

“કોઈક દેખશે.” આજુબાજુના બારી-બારણાં ઉઘાડાં હતાં.

“ભલે ;મારે દેખાડવું છે , ઝટ મોં ફાડ ... ફાડછ કે નહિ ? વળી પાછી માથાકૂટ ?”

મદારીના હાથના દબાણથી ચંદન- ઘો મોઢું ઉઘાડે તે રીતે ઊઘડેલા રમાના હોઠ વચ્ચે જયમને પાનની પટ્ટી સેરવી દીધી.

“વાહ ! બસ ! હવે ડાહી ખરી.” જયમને એના ગાલ પર ટાપલી કરીને કહ્યું: 'કોઈ જોઈ જશે !' બસ , એ બીક હજુ ગઈ નહિ. આપણે તે શું કોઈના જોવા સારુ જીવવું છે ? સાચું સહજીવન તો લોકોની છાતી પર ચડીને જ જીવી શકાય. મને એવી પરવા નથી લોકોની. હવે ડાહી થઈને