પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૬૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

થઈ સરોવર ની શાંતિ પામ્યું હતું. પણ રમાની હ્રદય – તલાવડી જરી જરીયે લહેરિયાં નહોતી લેતી, એ વાત તેને સમજાઈ જ નહિ. એને ગમ જ ન પડી કે પોતે પોતાનું રસ નાવડું તરાવવા જ્યાં મથી રહો હતો ત્યાં પ્રવાહી પાણી નહોતું – જામેલો બરફ હતો.

“ આંહી આવનારાંઓ છો જોઈ જોઈને બળતા...” એમ કરીને જયમને પોતાનો તથા રમાનો આ નવો ફોટો બરાબર પોતાની બેઠકની, બારણા સામેની જ દીવાલ પર લટકાવ્યો. રોજે રોજ પોતે એ તસ્વીર તરફ અને વિશેષ કરીને , રમાના ખભે મૂકેલ પોતાના હાથ તરફ એકીટશે તાકી રહેતો.

[ ૨ ]

એક દિવસ બપોરે બાલુભાઈને ઘરેથી નિમંત્રણ આવ્યું; આજે સાંજે મિત્રોને માટે આઈસ્ક્રીમ પાર્ટી રાખી છે, માટે તમે પધારજો.”

જયમને પટાવાળાને પૂછી જોયું : “નિમંત્રણ મારે એકલાને સારુ છે કે મારી સ્ત્રીને સારૂ પણ છે ?”

“એ તો મને ખબર નથી , સાહેબ !”

ત્યારે જા, જઈને પૂછી આવ. કહેજે બાલુભાઈનેકે હું એકલો ક્યાંયે આનંદ સમારંભોમાં જતો નથી. યાદ છે ને, ન્હાનાભાઈ કવિએ પોતાનાં 'બાઈ'ને માટે અલાયદું નિમંત્રણ પત્ર ન હોવાથી અમદાવાદની કૉંગ્રેસની બેઠકમાં પણ જવાની ચોખ્ખી ના કહી હતી?”

નોકરને એવું કંઈ યાદ નહોતું; તેથી એ તો પાછો ગયો અને બાલુભાઈનો જવાબ લાવ્યો કે ‘મારે ઘેર કોઈ બાઈ માણસ હાલ છે નહિ, એટલે મેં તો સહુને ફક્કડને જ નોતર્યા છે. પણ તમારે રમાબહેનને લાવવાં હોય તો ઘણી ખુશીથી; મને વાંધો નથી; ઉલટાનો હું તો રાજી થઈશ’.

“બીજાઓને તો સ્ત્રીઓ ઘરની ચાકરડીઓ સરખી છે. એ લોકો શાના સાથે લાવે ? પણ મારો તો જીવન-સિદ્ધાંત છે. હું એકલો નહી જાઉં, રમા, તારે તૈયાર થવાનું છે.”

"પણ પણ...."