પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"પણ ને બણ. એમાં છૂટકો નથી.મારે તો દાખલો બેસાડવો છે.”

“પણ ત્યાં અજાણ્યા પુરુષો વચ્ચે.”

“કોણ તને ખાઈ જવાનું હતું? અજાણ્યા હોય તેથી કંઈ ડરવાનું નથી. ભલેને તારા મોં સામે ટીકી ટીકીને જોઈ લેતા. એમાં તેઓના હાથમાં શું આવી જવાનું હતું !”

પાસે ઉભેલો તેમનો નોકર શરમિંદો બનીને બાજુએ જોઈ ગયો. રમા પણ ઝંખવાણી પડી.

“એમાં શરમાવનું શું છે?” જયમને જોર થી કહ્યું : “એવો ખોટો ક્ષોભ પણ એક જાતનો દંભ જ છે ને ! વાણી અને વસ્ત્રોના આવા ખોટા ઢાંક્પિછોડાને લીધે જ બીજાઓની લાલસા વધારે બહેકી ઊઠે છે.”

પતિના આવા છુટ્ટા વિચારો ઉપર વારંવાર વિશ્વાસ ટેકવવાની મહેનત રમા કરતી હતી પણ એને એવા અનુભવો થતા કે જેથી, લપસણા પથ્થર પરથી પગ લપસી જાય તે રીતે, એનો વિશ્વાસ પણ ધણીનાં આ સૂત્રો પરથી ઊતરી જતો હતો.

તે દિવસે સાંજે જ એવું બન્યું કે રમા કપડાં પહેરીને તરત નીચે ઊતરી ત્યારે જયમન જરા કડવી નજરે રમાના શણગાર પર તાકી રહ્યો.

“આ તારા પગમાં સ્લીપર ક્યાંથી ? .. ને આ આસમાની રંગ ની સાડી તો આપણે કદી લીધી જ નથી ને ?”

રમાએ કોઈ ગુનેગાર ની માફક કહ્યું ; “મને આ સ્લીપર અને સાડી લગ્ન ભેટ તરીકે મળ્યાં હતાં.”

“કોના તરફ થી?’

“મારા એક ભાઈ તરફથી.”

“એક ભાઈ તરફથી ! કયો ભાઈ ?”

“મારા પિયરમાં એક નર્મદામાસી નામનાં પડોશણ રહે છે; તેના એ દીકરા છે. એનું નામ દિલખુશભાઈ. અમે બંને જોડે ભણતાં તે દિવસથી એમણે મને બહેન કહી છે.”

“ઠીક ! ! ! “ એક ઘૂંટડો ઉતારીને પછી જયમને કહ્યું : “હું જાણે કેમ