પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૬૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જયમને એના ઉપર દાંત કચકચાવેલા. શાક સમારતી વેળા જયમના ઝીણીઝીણી સૂચનાઓ કર્યા જ કરતો હતો કે ,’તું આટલું તેલ મૂક અને હિંગ મરચું લસણ વગેરેનો વઘાર આ રીતે જ દે.’ એબધું રમાને કડવું લાગતું. પોતે પિયર પર કાગળ લખે તો તેમાં વર કાનો માત્રા અથવા મીંડાની સાચી ભૂલ બતાવે તે પણ તેને અફીણ જેવું લાગતું. વધુ અકારું તો એ ભૂલ સુધારવી પડે તે હતું . એથીય વધુ ખટકનાર વાત તો એ હતી કે જયમન પોતે પાછો પોતાના લખેલા સુંદર પત્રો, “જો, કાગળ આમ લખીએ...’ એમ કહીને , જોવા આપતો. ને પછી તો, ઊંધાં ચશ્માં વાટે બધું જ ઊંધું દેખાય એ ન્યાયે , ‘પત્રલેખનની કળા’ નામનું પુસ્તક જયમને તાબડતોબ મંગાવી આપ્યું તે ય રમા ને સાલ્યું હતું. અને પેલી આસમાની સાડી ઉતરાવીને નવી પહેરાવેલ કેસરી સાડી જયમને વખાણી કે તરત જ, તે ક્ષણથી પોતાને શરીરે કોઈ પીતવરણી જ્વાળાઓ ન વીંટળાઈ વળી હોય એવી ઊલટી લાગણીમાં રમા બળબળવા લાગી હતી.

બન્ને જણા દાખલ થયાં કે તરત જ બધા પુરુષોએ પોતાનાં ઠઠ્ઠા –મશ્કરીબંધ પાડી દઈને આ એકાકી સ્ત્રી તરફ અદબ બતાવી, બાલુભાઈએ જયમન અને રમાની બેઠક પડખોપડખ જ રખાવેલી, તે પર બન્ને બેઠાં. પોતાની સ્ત્રી ઉપર આટલી બધી આંખો એકાગ્ર થશે એવી કલ્પના જયમનને પહેલેથી જ ન આવી તેનો એને પરિતાપ થયો; પણ હવે તો નોક રાખ્યા સિવાય ઈલાજ નહોતો.

“કાં , બાલુભાઈ ! “ બેટ્સમેન ઊઘડતી રમતે જ બાઉન્ડરી લગાવે તેવો ફટકો જયમને લગાવ્યો : “ઉષાબેનને પિયર વળાવી પાછળથી આ મહેફિલો કે ! ગળે આઈસ્ક્રીમ ઊતરશે કેમ ?”

હમણાં તમે જોશો તેમ !” બાલુભાઈએ ટીખળ કર્યું : “ આપણું તો, ભાઈ, બધું જ આદર્શથી ઊલટું. આવી નિરાંત બધી વેજા ઘરમાં હોય ત્યારે ક્યાંથી મળે ?”

‘જોયા આ પુરુષો !” એવી સૂચક નજર જયમને રમા તરફ ફેંકી, પણ ત્યાંથી જોઈએ તેવો પડઘો ઊઠયો નહિ.