પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૭

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જાણે કે એના જીવનમાં એક ઠેબું આવ્યું. ઊઘડતા દ્વારમાં પહેલી તો ત્રણ દિવસનાં જૂનાં ઢેબરાંની ગંધ આવી. એ ગંધમાં અપચાના ઝાડાની વાસનું મિશ્રણ હતું. આવનાર સ્ત્રીના અંગ પર કાળો સાડલો હતો. ચહેરા પરનાં હાડકાંનો આખો માળખો જ જાણે કે હચમચી ગયો હતો. એના હાથમાં પંદર-વીસ ચોમાસાં ખાધેલી એક નાની જૂની ટ્રંક હતી.

"ભાઈ! મારા બાપા!" એટલું કહી એ ચાલીસેક વર્ષની બાઈએ ચંદ્રભાલના દુઃખણાં લીધાં, એ હાથમાંથી ચંદ્રભાલને નાકે છીંકણીની ગંધ આવી.

"હાશ! ખમા તમને, ભાઈ! મારે તો એટલું જ કામ હતું. દેવને દીવેટ માનેલી ઇ મારી ભેરે આવી! તમે સાજાનરવા છો એટલે હાઉં!"

એમ કહીને બાઇ અંદર પેઠી.

"ભાડું કેટલું આપવું છે, ભાભી?" ચંદ્રભાલે મહેમાન સ્ત્રીને પૂછતાં જ ટપ્પાવાળાએ જવાબ આપ્યો: "ભાડું તો ચૂકવી દીધું છે. મેં ઘણી ય ના પાડી; કહ્યું કે સંદરભાણ શેઠ મને વઢે, પણ મે'માન માન્યાં જ નૈ ને! હેં-હેં-હેં!"

"હવેથી ન લેવું હો કે, સાંઈ!" એટલું, કશા જ અર્થ વગરનું બોલીને ચંદ્રભાલ જ્યારે અંદર ગયો ત્યારે બાળકની ચીસો એકાએક અટકી ગઈ હતી. આવેલ સ્ત્રીએ બાળકને તેડી પોતાના ખોળામાં સુવાર્યો હતો ને પોતાના એક કપડાને છેડે બાંધેલ ચીંથરી છોડીને તેમાંથી એક ગાંઠિયાનો દાણો છોકરાના મોમાં મૂક્યો હતો. બાળક એ ગાંઠિયો મમળાવતું હતું. નિત્યના મીઠા દૂધ કરતાં કોઈક નવીન તરેહનો સહેજ ખારો સ્વાદ અને ફરસો સ્પર્શ અનુભવતાં બાળકનાં પેઢાં તેમ જ જીભ લહેર લેતાં હતાં.

"કેમ ભાભી! મારો તાર નહોતો પહોંચ્યો?"

"પોં'ચ્યો'તો, ભાઈ!" બાઈએ જવાબ આપ્યો: "પણ હું તે લાખ વાતે ય આવ્યા વિના રઉં! રઈ કેમ શકાય? અમારા તો ત્યાં શ્વાસ ઊડી ગયા'તા, માડી! તમે શુંનું શું કરી નાખશો? તમારા ભાઈ તો કે' કે જોડે આવું. પણ એનું હૈયું તો તમે જાણો છો ને ફૂટી જતાં વાર નૈ. મેં કહ્યું