પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ રીતે અનેક ટોળટીખળ ચાલતાં હતાં, અને જયમન પોતે બાઉન્ડરી ઉપર બાઉન્ડરી લગાવીને બીજા સહુને ઝંખવાણા પાડી રહ્યો છે એમ સમજતો હતો. દરમિયાન , બાજુએ બેઠેલા સ્નેહીઓ રમાબહેનનો પણ ક્ષોભ મટાડવા તેની સાથે વાર્તાલાપ કરવા લાગ્યા. રમા પોતાના વરની વાતોમાંથી સરી જઇને આ બીજાઓની સાથે ભેળાઇ ગઇ. એનાં હાસ્ય અને સ્વર જયમનને કાને અથડાતાં થયાં. રમાના મોં ઉપર જાણે આજે પહેલી જ વાર સંધ્યા ખીલી ઊઠી.

'પત્નીના જીવનનો સૂર્ય તો હું છું, તે છતાં એના અંતરનો ઉઘાડ એને અત્યારે પરાયાઓ પાસેથી કેમ મળી રહ્યો હશે ?' આ સમસ્યા જયમનના મનમાં ઘોળાતી થઇ; એટલે બીજા ભાઇબંધો કેવી નીરસ ઢબથી જીવી રહેલ છે તેનો ખ્યાલ રમાને આપવાની મહેનતમાં પડી ગયો. એણે બાલુભાઇ ઉપર જ 'બોમ્બાર્ડમેન્ટ 'ચાલુ રાખ્યોઃ " ઉષાબહેનને ગયાં કેટલા મહિના થયા, હેં બાલુભાઇ ?”

“પાંચ.”

“એમાં તમે કેટલા કાગળો લખ્યા ?”

“બેઃ એક પત્તું ને એક કવર .”

“ગઝબ- ગઝબ છાતી તમારી !”

“અમારા તો , યાર , જૂના જમાનાનાં લગનઃ લાકડે માકડાં જોડી દીધેલાં! એમાં અઠવાડિયે બે વાર પત્રની આવ-જા ક્યાંથી સંભવે ?”

“ને ઉષાબહેન પાસે જઇ આવ્યા એકેય વખત ?”

“ના રે , રેલગાડીને નાહક કોણ ખટાવે !”

“સિનેમા જોવા તો છેક મુંબઇ સુધી દોડો છો !”

“શું કરીએ , ભાઇ! સ્ત્રી તો પિયરથી પાછી આવશે, પણ સારી ફિલમ તો એક વાર આવી તે આવી !”

"મને તો આશ્ચર્ય જ એ થાય છે કે પર્ણેલી સ્ત્રીઓને તમાર જેવાઓ આમ ખસતી મૂકો છો. નથી ભણાવતા, નથી તમારા આનંદવિનોદમાં ભાગ લેવરાવતા તે છતાં તેઓ તમારા પર મરી શાથી પડે છે?"