પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"તેથી જ..." એટલો ધીરો બોલ રમાબહેનના હોઠ પરથી સરી પડ્યો.

સહુએ તાળીઓ પાડી.

"એટલે ?" જયમને ખસિયાણા પડીને પૂછ્યું.

રમા કશું બોલી નહિ; પણ બાલુભાઈએ 'એથી' શબ્દનું ભાષ્ય કર્યું" "એટલે કે અમે અમારી સ્ત્રીઓને એકલા અમારા જ અભિમાની સ્નેહની ધુમાડી દઈને ચોવીસેય કલાક ગૂંગળાવતા નથી. તેથી"

ખૂબ આનંદ કરીને સહુ રાતે છૂટા પડ્યાં ત્યારે રમાએ જોયું કે, જયમન બહુ બોલતો નથી. "કેમ બોલતા નથી ?"... " શું થયું છે?" વગેરે વગેરે સુંદર વચનો રમાએ જ્યારે વાપર્યા, અને રસ્તામાં મ્યુનિસિપાલોટીનાં બે ઝાંખા ફાનસો વચ્ચેના અંધારા સ્થળમાં રમાએ જયમનના ખભે હાથ મૂકીને, "હેં, કેમ બોલતા નથી? મારા સમ !" એવી દીન વાણી સંભળાવી, ત્યાર પછી જયમનના મન પરથી દાટો ઊઘડ્યો: "હું કેવો હીણભાગી છું!"

"કેમ?"

"બાલુભાઈને ઘેર એક કલાકમાં તુ જેવી ખુશખુશાલ બની શકી, તેથી દસમે ભાગેય તું મારી આટાઆટલી આળપંપાળમાં નથી ખીલી શકતી."

રમાની પાસે આ સમસ્યાનો શો જવાબ હોઈ શકે ?

[૩]

રમાના મન પરની ગમગીની ઉડાડવા માટે લાખ જાતના ઉપાયો કરતો જયમન ઘરમાં જ બધો વખત રહેતો હતો. ઘેર સ્નેહીઓ આવતા ત્યારે 'કાં, આવછ કે?' કહીને પોતે રમાને સર્વની સાથે બેસારતો; અનેક પ્રશ્નો છેડાતા તેની અંદર પોતે પ્રત્યેક વાર પર તલસ્પર્શી અભ્યાસ કર્યો હોય તેવા આગ્રહથી અભિપ્રાય ફટકારતો. બીજા બધા ચૂપ રહેતા તેનું કારણ પોતે રમાને પાછલથી એવું સમજાવતો કે, કોઈની કને કશું કહેવા જેવુ હતું નહિ.

એમ કરતાં કરતાં એને લાગ્યું કે રમા આવી બધી ચર્ચાઓમાં સમજણપૂર્વક રસ લઈ શકે તે સારુ એને ગુજરાતી સાહિત્ય તથા થોડું એવું