પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૭૩

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જીવનમાં માથું માર્યું : એક દિવસ કહે કે " જયમનભાઈ, થોડો કાળ જો બ્રહ્મચર્ય પાળી શકાય ને, તો રમાબહેનમાં અદ્ભૂત પ્રતિભા પ્રકાશી ઊઠે તેવું છે."

ધૃષ્ટતા !!!

થોડાક જ દિવસમાં જયમને બીજી ગોઠવણ કરી;

"આ ભાઈ તમને ભણાવવા આવશે, રમા. એ મેટ્રિકનો વિદ્યાર્થી છે. કણબીનો દીકરો છે. ગામડેથી અભાસ કરવા આવેલ છે. ગરીબ છે. હાથે રાંધીને ખાય છે. એનું અંગ્રેજી-ગુજરાતી વાંચન સારું છે, આપણને તો એક પંથ ને બે કામ: ગરીબ વિદ્યાર્થીને મદદ આપી કહેવાશે."

બે મહિના થયા ત્યાં જયમનની આંખો ખેંચાવા લાગી : કણબીના છોકરા કૂરજીને શરીરે સ્વચ્છ, સફાઈદાર કપડાં શોભે છે : માથા પરનો મૂંડો મટીને વાંકડિયા વાળ ઓળાતા થયા છે: ગાલના ખાડા બુરાયા છે: ચામડી ઝગારા કરી રહી છે.

'ઠુંઠુ જાણીને ઘરમાં આણ્યું તે ઝાડને આ કૂંપનો ક્યાંથી ફૂટી ? રમાને અને કૂરજીને અન્યોઅન્ય આ કઈ લેણાદેખી ફાટી નીકળી? હું રાખું છું તે કરતાં પણ વધારે રમાની દરકાર રાખનાર આ કોણ? રમા એને રોજ માથામાં નાખવા તેલ શા માટે આપે છે? સાબુની દાબડી પણ દીધી!'

કૂરજી પણ એક દિવસ આવતો બંધ થયો.

"આમ કેમ થયું ?" રમાએ પૂછ્યું.

"પાડોશીઓ કચવાતા'તાં"

"શાથી?"

"કૂરજી પાડોશીઓની જુવાન દીકરીઓ સાથે અણઘટતી છૂટ લેતો હતો."

"આવા પાડોશી ! તો આપણે બીજે રહેવા જઈએ."

"ઓહોહો ! આટલી બધી વાત !!!"

જયમન ભવાં ચડાવીને ચાલ્યો ગયો.

'સાલાઓ અંદરખાનેથી બધા પુરુષો લંપટ છે. સહુને પારકી