પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૭૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

તબિયત કદી નહોતી તેવી સરસ છે.'

પોતે પાછો લખે કે ' આટલો ટચૂકડો કાગળ મને કેમ સંતોષે ? તું લંબાનથી કેમ નથી લખતી ? તને લાગણી જ ક્યાં છે ! અને તારી તબિયત કદી નહોતી તેવી સરસ ત્યાં હોય જ ને ! હું તને અહીં કોણ જાણે શું દુઃખ દેતો હતો! '

આ બધા ધોખાનો કશો જવાબ રમા કને નહોતો. એ તો અટવાઈ જતી.

આંહી જયમનને સંદેહ પડવા લાગ્યો કે નક્કી પેલા આસમાની સાડી અને સ્લીપરની લગ્ન-ભેટ આપનાર ધર્મ-ભાઈ ત્યાં હશે.

આઠ દહાડા થાય ને તાર કરી પુછાવે કે 'તબિયત કેમ છે ?... ફલાણા દાક્તરને બતાવો... મારી જરૂર હોય તો આવું...' વગેરે. પોતાના ગામમાંથી પણ 'પેટન્ટ' દવાઓના પાર્સલ મોકલ્યે જાય.

સસરા શું જાણેક જમાઈને આવવાનું મન છે! જવાબ વાળે સાદા કાગળથી કે 'ધંધામાં અંતરાય પાડીને આવવાની કશી જ જરૂર નથી; શરીર ઘણું સારું છે.'

'ધંધો ! રમા કરતાં ધંધો વધુ ગણું હું ? તમે મારાથી છુપાવો છો. હું આવું છું.'

સાંજ સુધીમાં એણે મિત્રો, સ્નેહીઓમાં ફરીને એ જ પ્રચાર-કાર્ય કાર્ય કર્યું કે "જૂના જમાનાનાં સાસુ-સસરા બેવકૂફ ને પાછાં કંજૂસ છે. રમાને આવી ગફલાથી જ મારી નાખશે ક્યાંક, મારે જવું જ જોઈએ. ધણી વિના બીજાંને કોને રમાનું દાઝે ? એનાં માબાપને હવે શી પડી છે, ભાઈ !"

સ્નેહીઓએ મોંએ અનુમોદન આપ્યું; પછવાડેથી 'ગધાડો' કહ્યો.

"પણ ગધાડાને તો સાચી લાગણી હોય છે;" કોઈ બીજાએ ટકોર કરી: " જ્યારે આ ભાઈસાહેબમાં પ્રમણિક સચ્ચાઈ ન હોવાનો મને વહેમ છે. રમાનો પરમ હિતસ્વી એક પોતે જ છે એ પેલીના મન પર કોઈ પણ વાતે ઠસાવવું છે."

જયમન પહોંચ્યો ત્યાં તો સુવાવડ આવી ગઈ હતી. શહેરના સારામાં