પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૭૬

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સારા પ્રસૂતિગ્રહમાં રમા સૂતી હતી. બાળક તંદુરસ્ત હતું.

રમાને વર આવ્યાની જાણ થઈ. એણે બાને કહ્યું કે "એને આંહીં, ભલા થઈને, ન લાવશો. હજાર વાતો કાઢીને એ મને મૂંઝવશે."

પણ વર આ પ્રતિબંધને સન્માને કદી ? " હં... નક્કી, મારી રમા સારી હાલતમાં નહીં હોય, તેથી એમ કહો છો!"

જોરાવરીથી ગયો. રમાએ પ્રયત્નપૂર્વક હસતું મોં રાખ્યું. પણ પછી તો ત્યાંથી ખસે નહિ, તડાફડી બોલાવવા લાગ્યો: " આ ચાદરો કેમ મેલી છે?... મોસંબી જોઈ કરીને મીઠી કાં નથી લાવતાં ? દવામાં આ લોકો શું નાખે છે ? બાળક કેમ વારેવારે રડે છે? મને વેળાસર બોલાવ્યો હોત તો બીજી સારી ઈસ્પિતાલમાં લઈ જાત ને ! તમે લોભમાં તણાયાં..."

રમાને કહે કે "તેં મારા કાગળો પૂરા વાંચ્યા પણ જણાતા નથી. જવાબોમાં કશો વિગતવાર ખુલાસો જ ન મળે. તું શાની વાંચે? તને મારા પર હેત ક્યાંછે? હું આટલું આટલું કરું છતાં..."

પ્રસૂતિના પહેલા દિવસથી જ રમાનું ઓશીકું આંસુએ ભીનું થવા લાગ્યું. કમર દુ:ખતી હતી, તેથી મોં પ્રફુલ્લ નહોતું રહી શકતું. જયમન કહે કે "મારું મોં તને દીઠું ગમતું નથી, તેથી તું આમ કરે છે!"

નર્સો આ માણસના આંહીં લાંબો કાળ બેસી રહેવાથી કંટાળી ગઈ. તેમણે મેટ્રનને જાણ કરી.

એકાએક જયમનની નજર બે વસ્તુ પર પડી : પેલી આસમાની સાડી અને સ્લીપરોની જોડી.

"હજુયે આ બે ચીજો હૈયેથી નથી છૂટતી ને ?"

"તમને નહોતી ગમતી, તેથી આંહીં પહેરી ફાડું છું."

"નહિ રે...જીવનની મીઠી સ્મૃતિ કરીને સાચવો ને!"

રમાથી મોટે સાદે રડી જવાયું. રડતી રડતી એ બોલી ઊઠી : " આ કરતાં તો ગળું દાબી દ્યો કાં તો મને રજા આપો: તમારા પ્રેમનું આ કેદખાનું મારે નથી જોઈતું."

"એ...મ ! હજુ તો તારો જીવ લઈ..."