પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૭૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

છૂંદો કરતો કરતો બોલ્યો.

"બિચારા મોટા ભાઈ થાકી ગયા હશે." મંજરી દાળમાં રોટલી બોળબોળ કરતી હતી પણ ખાતી નહોતી.

પિતા ઊઠ્યો ત્યારે એના માથામાં અભરાઈ અફળાઈ... એની કમ્મરને સીધી થતાં વાર લાગી. એના મોંમાંથી સિસકાર નીકળ્યો, ને ચહેરો ચીમળાઈ ગયો.

"ક્યાં વાગ્યું - હેં મોટાભાઈ ? શું વાગ્યું ?" મંજરીના હાથમાં કોળિયો થંભી રહ્યો હતો.

"હવે ક્યાંય નહિ, ભૈ ! કશુંય નહિ... પંચાત કરતાં જમી લેતાં નથી !"

બેઉ છોકરાંએ નીચું જોયું. બાપ નાહવાની ઓરડીમાં જતા હતા, તેની પછવાડે ત્રાંસી ત્રાંસી નજરે બન્નેએ નીરખ્યા કર્યું; ને જ્યારે ઓરડીનું બારણું બિડાયાનો ચોક્કસ અવાજ થયો, ત્યારે બેઉ છોકરાંએ સામસામે આંખો માંડી.

મંજરી ધીમેથી હસતી હસતી બોલી: "આપણે મોટાભાઈને કેવા આબાદ ફસાવ્યા !"

"કેવા આબાદ ફસાવ્યા !" એ પ્રયોગ મંજરી હમણાં હમણાં બહુ કરતી હતી. જાસૂસી વાર્તાઓમાંથી રમેશે જ એ પ્રયોગને ઉઠાવીને ઘરમાં આણ્યો હતો.

રમેશ કહે: "ચૂપ, મંજરી."

"હવે મોટાભાઈ ચાખશે ત્યારે કેવા આબાદ ફસાશે ! દાળશાક બહુ ખારાં છે, નહિ રમેશભાઇ ?"

શાકના છૂંદી રાખેલા ફોડવામાંથી થોડુંક રોટલીના બટકા પર ચડાવતો ચડાવતો રમેશ પૂરો નિશ્ચય નહોતો કરી શક્યો કે શાક ચાખવું કે નહિ. તેણે પીઢ માણસની માફક ઠપકો આપ્યો: "મંજી ! તું બાની વાત મોટાભાઇ કને શા સારુ કાઢે છે ? હવેથી કોઈ દિવસ કાઢીશ ને, તો..."

અધૂરું વાક્ય રમેશે શબ્દોથી નહિ પણ ક્રિયા વડે જ પૂરું કર્યું: મંજરીને