પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એણે એક ચૂંટી ખણી. મંજરીએ રડવા માટે મોં ખોલ્યું, એટલે રમેશે ચૂંટી જરા વધુ 'ટાઇટ' કરી; એથી મંજરીનું મોંનું વર્તુળ વધારે પહોળાયું અને મોંનો કોળિયો પડી જવાથી એ કરૂણ રસનો મામલો હાસ્ય રસ તરફ ઢળી ગયો.

હરિનંદન નાહીને જ્યારે જમવા બેઠો ત્યારે દાળ-શાકને પ્રથમ કોળિયે જ બેઉ છોકરાંની દુત્તાઈ એને સમજાઈ ગઈ. પછી એને યાદ આવ્યું કે મીઠું બેઉ ચીજોમાં બબ્બે વાર નખાઈ ગયું હતું: પહેલી વાર નિત્યની માફક; અને બીજી વાર મંજરીએ ને રમેશે, "મોટાભાઈ જો અમારી જોડે કેરી ન ખાય તો અમારેય કેરી નથી ખાવી." એવું કહી બાપને ચીડવ્યો હતો ત્યારે. માણસ ચિડાય છે ત્યારે કાં તો હાથની ચીજ ફગાવી તોડીફોડી નાખે છે, કાં સામા માણસને ન આપવાની હોય તે વસ્તુ જ દાઝમાં ને દાઝમાં આપી દે છે; ને રસોડાના અનુભવીઓનો અનુભવ કહે છે કે ખિજાયેલું રાંધનાર રાંધણામાં મીઠું-મરચું ખૂબ ધબકાવે છે. અહિંસક ખીજની એ ન્યારી ન્યારી ખૂબીઓ છે.

હરિનંદન પોતાનાં માતૃહીન બે બાળકો ઉપર આવી અહિંસક ખીજ વારંવાર ઠાલવતો. આજે તે આટલા માટે ખિજાયો હતો: બે હાફૂસ કેરીઓ પોતે લાવેલો. બાળકો કહે કે "અમે એકલાં નહિ ખાઈએ, મોટાભાઈ; તમે પણ અમારાં બન્નેનાં ચીરિયાંમાંથી ભાગ લો." હરિનંદન કહે કે "ના, મારે નથી ખાવી." છોકરાંએ વધુ આગ્રહ પકડ્યો, એટલે બાપ રિસાઈને રસોડામાં ચાલ્યો ગયો. આમાં ખિજાવા જેવું શું હતું તેની કશી જ ગમ છોકરાંને ન પડી. બેઉ જણાં પોતપોતાનાં ચીરિયાંની રકાબી પકડીને થીજી રહ્યાં; પછી થોડી વારે રસોડામાં જઈને કહ્યું: "ચાલો, મોટાભાઈ, હવે અમે જ કેરીનાં ચીરિયાં ખાઈ જઈશું; તમને ખાવા નહિ કહીએ."

દરમિયાનમાં તો મીઠાનો અતિરેક થઈ ચૂક્યો હતો.

[૨]

આખો દિવસ હરિનંદન બહાર રહેતો. છોકરાં નિશાળે ગયા પછી શૂન્ય ઘરમાં એકલા રહેવાની એની હિંમત નહોતી. તેમ આડોશીપાડોશીઓ