પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૮૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પોતપોતાનાં ભર્યાં ઘરમાં કલ્લોલ કરતાં એ તેનાથી સહ્યું નહોતું જતું. સ્નેહીઓ એને રવિવારની કે તહેવારોની ઉજાણીઓમાં તેડી જવા કરતાં; ને હરિનંદન એક-બે વાર ગયોય ખરો. પણ તે પછી તો એ ના જ કહેતો.

"પણ કારણ શું છે ?"

હરિનંદન કહેતો કે "તમને સહુને તો ગુલતાન કરવાનો હક્ક છે; પણ એ ગુલતાનમાં ભાગ લેવાને વખતે હું બિનઅધિકારી ચોર હોઉં એવો ભાવ મને થઈ આવે છે."

આવા આવા અનેક પ્રકારે પોતાનું વિયોગ-દુઃખ દાખવવાની તકો એને મળ્યા કરતી. મૂએલી પત્નીનાં સુખદ તેમ જ કરુણાર્દ્ર સંભારણાં વર્ણવવાના, ઊંડી ઊર્મિઓને આંખો વાટે વહાવવાના, સ્ત્રી પ્રત્યેની પોતાની ગત સેવાઓ મિત્રો સામે રજૂ કરવાના અનેક પ્રસંગો એને જુદી જુદી રીતે મળ્યા જ કરતા - અનાયાસે ન મળતા ત્યારે પોતે સામેથી મેળવી લેતો. એ બધાંમાંથી એક સંતોષ તો એને મળી જ રહેતો: દુઃખ, સ્નેહ તેમજ કરેલાં કર્તવ્યો જગતની સન્મુખ ધરવાનો. દેવાળું કાઢનારો માણસ લેણદારોને પોતાના ચોપડાઓ સુપરદ કરીને પણ એ જ પ્રકારનો સંતોષ અનુભવે છે.

રમેશ અને મંજરી ભણીને ઘેર આવતાં ત્યારે ઘણુંખરું પિતા ઘરમાં ન જ હોય. ભૂખ્યાં થયેલાં બાળકો પાડોશીને ઘેર મૂકેલી ચાવી લાવીને ઘર ઊઘાડતાં. ઊંચી સાંકળે વાસેલું તાળું ઉઘાડવા માટે બેમાંથી એક બાળક ઘોડો બનતું, ને બીજું એની પીઠ પર ઊભું થતું. બન્ને વચ્ચે વિચિત્ર સ્પર્ધા ચાલતી:

"મંજી, હું ઘોડો બનું: તું ઉપર ચડ."

"નહિ, રમેશભાઈ, હું ઘોડો."

"ના, કાલે તું થઈ'તી: આજે મારો વારો."

ચાર-પગા બનવું એ માણસની કુદરતી ઇચ્છા છે: બે પગો મનુષ્ય એ એક બનાવટ છે. પશુવૃત્તિ નિરર્થક નિંદાયેલી છે. એ ગમે તે હો, પણ આ ચોકરાં, 'સાંજે ઘેર જશું ત્યારે ઉઘાડા ઘરનાં દ્વારમાં બા આપણી વાટ