પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૮૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

માન ખાટી જાય છે ને !

[૩]

મંજી !"

"હં."

"ખજવાળ બરાબર. ખજવાળવામાં અંચી કરે છે કે ?"

સૂતેલા રમેશના ખુલ્લા બરડામાં ખજવાળતી ખજવાળતી મંજરી પણ સૂતી હતી. થોડી વાર ખજાવાળ્યા પછી એને ઝોલું આવી ગયું; હાથ નીચે સરી આવ્યો.

"અલી મંજલી !" રમેશે બીજે પાસે સૂતાંસૂતાં જ હાક મારી. મંજરી ન બોલી રમેશે મંજરીના મૌનની દવા અજમાવી.... મંજરી બૂમ પાડીને જાગી ઊઠી.

"ખજવાળ:સૂઈ શેની જાય છે ? કાલે મારો વારો મેં કાઢ્યો'તો કે નહિ ? મફતની કાંઈ ખજવાળછ ! કાલે મેં તને ખજવાળી હતી."

"અં-અં.... ઊંઘ આવે છે."

"હેં મંજી, આપણે એને શું કહી બોલાવશું ?"

"કોને ?" મંજરીનું ઝોલું ઊડી ગયું.

"કોને ? નથી ખબર ? વિનતાફઈબા ને રમામાશી શું કહેતાં'તાં ભૂલી ગઈ ?"

"હં-હં." મંજરીને સમજ પડી: "શું કહી બોલાવશું ?"

"બધા શું કહે છે ?"

"બા."

"તું 'બા' કહીને બોલાવશે ?"

"ઓળખીએ નહિ ને 'બા' શાનાં કહીએ ?"

"હું તો નથી જ કહેવાનો. ઓળખીશ પછીય નથી કહેવાનો."

"મોટાભાઈ કહેશે કે 'બા' કહો, તો ?"

"તોય નહિ."

"કેમ ?"