પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૮૪

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"બા તો એક જ હોય: બા કાંઈ બે હોય ?"

"મોટાભાઈ ખિજાશે તો ?"

"તો શું ? મારશે એટલું જ ને ? માર ખાઈ લઈશ, પણ કોઈને હું 'બા' નહિ કહું."

"એમાં શું ? મોટાભાઈને ફસાવવા તો જોઈએ જ ને !"

"ના, 'બા' બોલું છું ત્યાં મને કાંઈનું કાંઈ થઈ જાય છે...."

"શું થઈ જાય છે ?"

"એ ખબર મને નથી પડતી. કાંઈક થઈ જાય છે. જાણે હું નાસી જાઉં."

"હું તો, મોટાભાઈ કહેશે તો, 'બા' કહેવાની."

મંજરીના આ બોલ પછી થોડી વાર સુધી રમેશ કશું બોલ્યો નહિ: સળવળ્યો પણ નહિ: પાસું ફરીને પડ્યો જ રહ્યો.

મંજરીએ પોતાના નાના હાથનું જોર કરી રમેશને પોતાની તરફ ફેરવવા મહેનત કરી. રમેશ ન ફર્યો. મંજરીએ નાના હાથ રમેશની આંખો પર મૂક્યા: ભીનું ભીનું લાગ્યું....

"રમેશભાઈ ! ન રડો; લો, હું પણ બા નહિ કહું. મોટાભાઈ મારશે તો પણ નહિ કહું. આપણે બેઉ ભેગાં ઊભાં રહીને માર ખાશું. બા નહિ કહું, નહિ કહું."

એક બાજુથી રમેશે પાસું ફેરવીને મંજરી તરફ આનંદભરી નજર કરી, ને બીજી બાજુ બારણા ઉપર ટકોરા થયા.

ઝટ ઝટ મંજરીએ રમેશની આંખો લૂછી નાખી. મોં ઉપર કશું દેખાય નહિ તે માટે રમેશનો ચહેરો એણે સુંવાળા સુંવાળા હાથે ઘસી નાખ્યો. થોડી વાર બેઉ નિદ્રામાં હોય તે રીતનાં નસ્કોરાં બોલાવ્યાં. બારણાં પર ફરીથી ભભડાટ થયો. મંજરીએ ઊઠીને આંખો ચોળતાં ચોળતાં બારણું ઉઘાડ્યું.

"રોજના એકને બદલે આજે બે જણ હતાં: હરિનંદનની જોડે એક સ્ત્રી હતી.

"રમેશ સૂઈ ગયો છે, બેટા ?"