પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

"હા, મોટાભાઈ ! ક્યારનોય."

"રમેશ !" હરિનંદને અવાજ કર્યો.

રમેશ સફાળો ઘાટી નીંદરમાંથી જાગી ઊઠ્યો હોય તેવો દેખાયો.

"બહુ ઊંઘ આવી ગઈ'તી બેટા ?" પિતા હસ્યો.

રમેશે આંખો ચોળીને ડોકું ધુણાવ્યું. મંજરી બીજી બાજુ જોઈ ગઈ.

"રમેશ, મંજરી," બાપે નવી વ્યક્તિની આટલી જ ઓળખાણ આપી: "આમનું નામ રેણુકા છે. એ આપણી જોડે રહે, તો તમે એમને રહેવા દેશો ?"

છોકરાંના મોં પર કૌતુક ચમક્યું.

"રહેવા દેશો ?... તો શાક-દાળ ખારાં નહિ થાય; મોટાભાઈને વારંવાર ફસાવવા નહિ પડે, મંજરી !"

છોકરાં શરમાઈને હસી રહ્યાં પણ હજુ જવાબ નહોતાં વાળતાં.

"ને એને તમે શું કહીને બોલાવશો ?"

છોકરાંનાં મોં પર વાદળી છવાઈ ગઈ.

"તમને આ છોકરાં શું કહીને બોલાવે તો ગમે ?" પિતાએ નવી વ્યક્તિને પૂછ્યું.

"કાં રેણુકા કહીને, ને કાં 'રેનુબેન' કહીને. શું કહેશો મને ?"

એટલું બોલીને નવી સ્ત્રી પહોળા હાથ કરી બાળકો તરફ ચાલી. બાળકો સામાં આવ્યાં, નવી સ્ત્રીની બાથમાં સમાયાં.

હરિનંદન એ દેખીને બીજી બાજુ વળી ગયો. થોડી વારે એણે કહ્યું: "બા તો એક જ હોય: બા બીજી ન હોય."

'બા' શબ્દ એ ઘરમાં છેલ્લામાં છેલ્લી વાર બોલાઈ ગયો.