પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કંઇ ત્યાગનાં કે શાંત પડેલી વૃતિઓનાં ચિહ્નો નથી. મોરલાનો પિચ્છ-કલાપ અને સિંહની કેશાવલિ, કુકડાની માંજર અને કલાકારનાં કેશ-ગુંચળાં - એ તમામની અંદર જે આકર્ષકત રહેલી છે, તે જ આકર્ષકતા મારા લઘરવગર લેબાસમાં તેમ જ દીદારમાં છુપાયેલી છે. તમે સહુ ભરમાઓ છો કે ભાઇ ઘેલા બન્યા છે. પણ તમે, મારી બીજી ચાહે તેટલી ખામીઓ કાઢવા છતાંય, મારી વૃતિઓના લહેરીપણા પર તો અંદેશો નહિ જ આણો, ખરૂં? હું તમને કહેતો જાઉં છું કે હું ઘેલો નથી.

આઠ દિવસ પહેલાંની ટપાલનાં પરબીડિયાં મને કેવાં યાદ આવે છે! તે દિવસ મેં બે પરબીડીયાં કેવી સિફતથી સેરવી લીધાં! મારૂં પડખું સેવનારો શકરોબાજ બાલકૃષ્ણ પણ ન કળી શક્યોઃ મેં એની નજર ચુકાવી..હાં! હાં! હવે તો મને મારા નાના વિજયો પણ વહાલા લાગે છે - બૂઢ્ઢા બાપને છેલ્લાં છૈયાં લાગે છે ને, તેવા વહાલા.

સેરવેલું પરબીડિયું હું હવે એકલો પડ્યો પડ્યો ફોડું છું. અક્ષરો હું ઓળખું છું. સરનામાંની અંદર જ એ ન ભૂલાય એવો મરોડ છે. વીરમતીનો પ્રદ્યોત પરનો એ કાગળ છે. પ્રદ્યોત મારી કને ઉપરાઉપરી ત્રણ આંટા મારી ગયોઃ પૂછી ગયો કે "રાજેશ્વરભાઇ, મારો કાગળ છે?"

ઠંડાગાર કલેજે મેં એને કહ્યું: "ના ભાઇ; આજે તો નથી."

તોયે એ ક્યાં ખસતો હતો? એનું ધ્યાન તો મારી પાસે પડેલી ટપાલની ઢગલી પર જ ચોંટ્યું હતું. મારા ચશ્માંની બાજુએથી તીરછી નજર નાખી હું પ્રદ્યોતના મુખભાવો નિહાળતો હતો. મને લહેર પડતી હતી. ભલે ને એ બેસી રહ્યો! હું શા માટે કહું કે, જા! એને ખાતરી જ ન કરાવું કે હું કદિ અનિશ્ચયાત્મક ના નથી કહેતો! ધીરે ધીરે મેં ટપાલ વાંચ્યા કરી. અક્કેક પરબીડિયું ફોડવામાં મેં કચકડાની છૂરીને કેટલી ભિન્ન ભિન્ન રીતે ચલાવી! પ્રથમ ચોંટાડેલી જગ્યાએ, પછી એક ખૂણા ઉપર,પછી બીજા, પછી ત્રીજા ને ચોથા ખૂણા ઉપર...

પ્રદ્યોતની મજાલ નહોતી કે ટપાલની થોકડીને - મારી ટપાલની થોકડીને - હાથ અડકાડે. નીચે વળી વળી એણે બે-ત્રણ બાજૂએથી કોઇક