પૃષ્ઠ:Meghanini Navalikao bhaag 1.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

લાગ્યાં: "અમને તો ખબર જ નહિ કે તમારે ભાઈ કે ભાભી કોઈ છે. તમે અહીં દસ વરસથી રહો છો છતાં કોઈ દા'ડો કેમ આંહીં આવ્યાં જ નથી તમારાં ભાઈ-ભાભી?"

"દૂરની વાટ. ટૂંકી આવક. નીકળી ન શકે."

એ જવાબ દેતો ચંદ્રભાલ પોતાના અંતરમાં એકાદ ડંખ પણ અનુભવતો હતો.

[૩]

ત્રણ વર્ષો આવ્યાં ને ગયાં. ખાનદેશથી આવતા ઓળખીતાઓ ચંદ્રભાલને બાળકના સમાચાર આપી જાય છે: "તમારો છોકરો લહેરમાં છે, હાડકું વધતું'તું તે બેસી ગયું છે. તમને ખાસ કહેવરાવ્યું છે કે એકવાર આવીને છોકરાને જોઈ જાવ."

"મારે જોવાનું શું છે?" ચંદ્રભાલ જવાબ આપતો: "એ તો હવે એનો જ છોકરો છે; ચાય જીવે, ચાય મરે."

ભાઈના કાગળો પણ આવતા: "તારી માન્યતા સાચી છે. તારી ભાભીનાં છેલ્લાં છ વર્ષથી સુવાવડ નથી આવી, એટલે એ તો તારો છોકરો સાચેસાચ પોતાનો હોવાની ભ્રાંતિમાં પડી ગઈ છે. વાતવાતમાં એમ કહી બેસે છે કે 'મારે આ છોકરો આવ્યો ત્યારે...' વગેરે વગેરે!"

બાળકે તેડીને બેઠેલાં ભાભીનો એક ફોટોગ્રાફ પણ ભાઈએ ખાનદેશથી મોકલ્યો છે. એ છબીને ચંદ્રભાલે પોતાના લખવાના ટેબલ પર બરાબર બત્તીની નીચે ગોઠવી છે; હંમેશ ઊઠીને પોતે એ છબીની પાસે પુષ્પો ધરે છે. કોઈ પણ વાર્તા લખવી શરૂ કરતાં પહેલાં પોતે એ ભાભીની પ્રતિમાનું જાણે આવાહન કરે છે.

એ ત્રણ વરસના ગાળામાં ચંદ્રભાલે જે કંઈ લખ્યું તેણે સાહિત્યમાં ભાત્ય પાડી. અનેક સાહિત્યપ્રેમી સ્નેહિઓ તેમ જ સખીઓના એને કાગળો મળ્યા તેમાં લખાઈ આવ્યું કે 'તમારી આ બધી વાર્તાઓ અમે જેટલી વાર વાંચીએ છીએ તેટલી વાર રડીએ છીએ.'

બે વાર્તાસંગ્રહો એણે ભાઈને ને ભાભીને અર્પણ કર્યા.